રાજકોટ મહાપાલિકામાં ડિમોલીશનના ખર્ચમાં સપાટી પર આવતો વિવાદ
ડિમોલીશનમાં ૪.૭૧ લાખના ૧૯૦૦ હેલ્મેટની ખરીદી
કાજુ-કતરી, પાણી, ડિઝલ બાદ વધુ એક ખર્ચનો વિવાદ સામે આવતા મનપાની કામગીરી સામે ઉઠતા સવાલો: તપાસ કમીટી પણ ચકરાવે ચડી હોવાની ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં જંગ્લેશ્વરમાં કરવામાં આવેલ ડિમોલીશનના ખર્ચમાં નવા-નવા ધડાકા થઈ રહ્યા છે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ડિમોલીશન પ્રકરણમાં વધુ એક ખર્ચનો વિવાદ સામે આવ્યો છે. ગઈકાલે ડિઝલના વિવાદ બાદ આજે હેલ્મેટનો વિવાદ સામે આવ્યો છે. જેમાં કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે ૧૯૦૦ હેલ્મેટ ખરીદવામાં આવ્યા છે જેનું બિલ ૪.૭૧ લાખનું થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક બાદ એક ખર્ચનો વિવાદ હવે સપાટી પર આવી રહ્યો છે.
રાજકોટના ચર્ચાસ્પદ બનેલા જંગલેશ્વર ડિમોલેશન બિલ વિવાદમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. ડિમોલેશનની કામગીરીના નામે કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચ અને બિલોમાં વ્યાપક અનિયમિતતાઓ સામે આવ્યા બાદ હવે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ માટે રચવામાં આવેલી તપાસ સમિતિને આજે 40 દિવસ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ પરિણામ હજુ સુધી શૂન્ય જ છે.
મળતી વિગતો મુજબ, તપાસ સમિતિની રચના થઈ ત્યારથી જ કમિટીના અધ્યક્ષો પૂરી રીતે ગોટે ચડ્યા છે. અત્યાર સુધીમાં બે-બે અધ્યક્ષો બદલવામાં આવ્યા હોવા છતાં હાલની સ્થિતિ એવી છે કે આ તપાસ સમિતિના કોઈ જ નિયમિત અધ્યક્ષ નથી, જેના કારણે સમગ્ર તપાસ પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી ગઈ છે. અધિકારીઓએ ડિમોલેશનની કામગીરી તો સારી કરી, પરંતુ તેના બિલો બનાવવામાં પોતાની બુદ્ધિનું સંપૂર્ણ દેવાળું ફૂંકી દીધું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
જંગલેશ્વર ડિમોલેશન બિલ મામલે સામે આવેલી તાજેતરની વિગતો અત્યંત ચોંકાવનારી છે. ડિમોલેશનની કાર્યવાહી માટે માત્ર અધિકારીઓ અને કર્મચારીઓને પોતાની ઓફિસથી જંગલેશ્વર સુધી પહોંચાડવા માટે પણ લાખો રૂપિયાના મસમોટા બિલો બનાવી દેવામાં આવ્યા છે. માત્ર 10 કિલોમીટરની ટૂંકી આવન-જાવન માટે પ્રશાસન દ્વારા રૂપિયા 6,69,768 નું આંધણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. સામાન્ય અંતર માટે થયેલા આ ખર્ચાએ લોકોમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલેશન મામલે વધુ એક બિલ વિવાદમાં આવ્યું છે. ડિમોલેશન કામગીરી દરમિયાન થયેલી ખરીદી અને ખર્ચને લઈને નવા સવાલો ઊભા થયા છે. આ વખતે હેલ્મેટની ખરીદીનું બિલ ચર્ચાનો વિષય બન્યું છે. માહિતી મુજબ મનપાએ ડિમોલેશન કામગીરી માટે 1,900 હેલ્મેટ ખરીદ્યા હતા, જેના બદલામાં ₹4.71 લાખની ચૂકવણી કરવામાં આવી હતી. એટલે કે પ્રતિ હેલ્મેટ અંદાજે ₹248નો ખર્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ખર્ચની પારદર્શિતા અને બિલોની યોગ્યતા અંગે સવાલો ઊભા થતાં ફરી એકવાર મનપાની કામગીરી વિવાદમાં આવી છે.


