- પરિવાર હળવદના દેવીપુરથી અમદાવાદ લગ્નમાં જઈ રહ્યો હતો
- વિરમગામ બાયપાસ હાઈવે પર વડગાસ પાસે અકસ્માત નડયો
- પોલીસને થતા પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી
વિરમગામ બાયપાસ હાઈવે પર વડગાસ પાટિયા પાસે બુધવારે સવારે એક માલ વાહક નાના વાહનનું ટાયર ફટતા વાહન ઉથલી પડયુ હતું. જેમાં વાહન પાછળ બેઠેલા વૃદ્ધનું મોત નિપજ્યું હતુ. બનાવની જાણ પોલીસને થતા પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
હળવદ તાલુકાના દેવીપુર ગામમાંથી હરજીભાઈ મોહનભાઈ તારમુંડીયા(સથવારા) છ વ્યકિત પરિવાર સાથે અમદાવાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા બુધવારે સવારે નાના માલવાહક વાહનમાં બેસીને નીકળ્યા હતા. અમદાવાદ મકાન બનાવતા હોવાથી ત્યાં પ્લાયવુડની જરૂરિયાત હોય સાથે હળવદથી કેટલીક પ્લાયવુડ સીટ પણ વાહનમાં લીધી હતી. હરજીભાઈના પુત્ર અમૃતભાઈ વાહન હંકારતા હતા. જ્યારે 61 વર્ષની વય ધરાવતા હરજીભાઈ પાછળ બેઠા હતા. વાહન અમદાવાદ તરફ્ આગળ વધી રહ્યું હતુ દરમિયાન સવારે 8 કલાક આસપાસ સમયે વિરમગામ તાલુકાના વડગાસ નજીક પહોંચ્યું હતુ અને ઓચિંતા જ વાહનનું ટાયર ફટતા વાહન ઉથલી પડયું હતું. વાહનમાં ભરેલી પ્લાયવુડ સીટો હરજીભાઈ ઉપર ધસી આવી હતી. એથી હરજીભાઇને ગંભીર શારીરિક ઇજા પહોંચતા તેમનુ કરુણ મોત નિપજ્યું હતુ. સદનસીબે અન્ય બે બાળકો સહિત પરિવારના પાંચ સભ્યોનો બચાવ થયો હતો. મૃતકની લાશને પીએમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલમાં વિરમગામના સેવાભાવિ નગીનભાઈ દલવાડીએ શબવાહિની દ્વારા ખસેડી હતી. અકસ્માતના બનાવની જાણ ગ્રામ્ય પોલીસને થતાં સ્થળ પર પહોંચી હતી અને બનાવની તપાસ શરૂ કરી હતી.


