- પ્રિન્સ વિલિયમ કિંગ ચાર્લ્સની સક્સેશન યોજનાના કેન્દ્રમાં હોવાનો શાહી પરિવારના નિષ્ણાતનો દાવો
- તેઓ આ મુદ્દે પોતાના પુત્ર પ્રિન્સ હેરીથી બધી માહિતી છુપાવી રહ્યા છે
- પ્રિન્સ વિલિયમ તેમની યોજનામાં મોખરે છે
બ્રિટનના કિંગ ચાર્લ્સ કથિત રીતે પોતાના બાદ ઉત્તરાધિકારીની નિયુક્તિ કરવા વિશે ગુપ્ત રીતે યોજના ઘડી રહ્યા છે અને તેઓ આ મુદ્દે પોતાના પુત્ર પ્રિન્સ હેરીથી બધી માહિતી છુપાવી રહ્યા છે. કિંગ ચાર્લ્સે તાજેતરમાં જ તેમને કેન્સર થયું હોવાના નિદાન બાદ અને તેમના આરોગ્ય સામે ઉદભવેલી ચિંતાઓ બાદ ગુપ્ત રીતે આયોજન શરૂ કર્યુ છે અને પ્રિન્સ વિલિયમ તેમની યોજનામાં મોખરે છે. બ્રિટિશ શાહી પરિવારના નિષ્ણાત ટોમ ક્વીનના અનુસાર કિંગ ચાર્લ્સનો ઉત્તરાધિકારી નીમવાનો પ્લાન એકદમ ગુપ્ત છે અને પ્રિન્સ હેરી તેનો ભાગ હશે તેમ કોઇ વિશ્વાસ કરી રહ્યું નથી. ક્વીને વધુમાં ઉમેર્યુ હતું કે પ્રિન્સ ઓફ વેલ્સ આ સક્સેશન પ્લાનના હાર્દમાં છે પરંતુ પ્રિન્સ હેરી પર કોઇ વિશ્વાસ કરી રહ્યું નથી. અને આ અવિશ્વાસ પ્રિન્સ હેરી દ્વારા પોતાની આત્મકથાના પ્રકાશન પહેલા અપાયેલા ઇન્ટરવ્યૂમાં શાહી પરિવાર પર કરાયેલા પ્રહારોને કારણે છે. ટોમે કહ્યું હતું કે ચાર્લ્સ આ વાતથી માહિતગાર છે કે ભવિષ્યના રાજા તરીકે વિલિયમ તેમના બાદ રાજા બનવાની યોજનાના કેન્દ્રમાં છે. આ પહેલા અધિકારીઓએ માન્યું હતું કે કિંગ ચાર્લ્સ બાદ નવા રાજાની નિયુક્તિની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કિંગ ચાર્લ્સ પોતાના જીવનના એંશીના દાયકામાં સ્વસ્થ રહેશે પરંતુ હવે તે પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે જે સંભવતઃ સંકેત આપે છે કે કિંગ ચાર્લ્સનું કેન્સર આપણે માનીએ છીએ તેના કરતાં વધારે ખતરનાક છે.


