- સંસ્કૃત ગૌરવ પરીક્ષા કેન્દ્ર સયોજકોનો સન્માન સમારોહ યોજાયો
- કાર્યક્રમમાં સંસ્કૃત સંવાદ,શ્લોક પઠન અને સંસ્કૃત ગીત પર નૃત્ય સહિતની રજૂઆત
- ગર્લ્સ હાઇસ્કુલ વગેરે શાળાઓ જનપદ સંમેલનમાં સહભાગી થઈ હતી
ધંધૂકા તક્ષશિલા વિઘાપીઠ ખાતે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંમેલન અને કેન્દ્રના સંચાલકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
સંસ્કૃત ભાષાનું વિશ્વ વ્યાપી અને રાષ્ટ્રીય સંગઠન જે સંસ્કૃત ભાષાને જન જન સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે. જેના અનુસંધાને ધંધુકા જનપદમાં આવેલ સંસ્કૃતના અનુરાગીઓનું એક જિલ્લા સ્તરનું સંસ્કૃત સંમેલન યોજાયું હતું. જેમાં ધંધૂકાની તક્ષશિલા વિદ્યાપીઠ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સ્વામિનારાયણ પ્રાથમિક શાળા, ડીએ વિદ્યામંદિર, આગાખાન સ્કૂલ,સમર્પણ વિદ્યાલય તેમજ સોસાયટી પ્રાથમિક શાળા, ગુંજાર પ્રાથમિક શાળા, ગલસાણા પ્રાથમિક શાળા, વાસણા પ્રાથમિક શાળા નવજીવન ગર્લ્સ હાઇસ્કુલ વગેરે શાળાઓ જનપદ સંમેલનમાં સહભાગી થઈ હતી.
જનપદ સંમેલનના અધ્યક્ષ સ્થાને ધંધુકાના શિક્ષણવિદ્દ, શિક્ષણ બોર્ડના સભ્ય તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વાલી મંડળના પ્રમુખ એવા નારાયણભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમજ મુખ્ય વક્તા સંસ્કૃત ભારતી સંગઠનના સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત ગૌરવ પરીક્ષાના પ્રાંત સંયોજક તેમજ સંસ્કૃત અકાદમી પુરસ્કારથી સન્માનિત પ્રણવભાઈ રાજ્યગુરુ તથા વિશેષ ઉપસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્ય આશિષભાઈ દવે અને ત્યાંનું વ્યવસ્થાપન સંભાળતા ઉમાબેન કનાડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાને લઈને સંસ્કૃત સંવાદ, સંસ્કૃતમાં વાર્તા, સંસ્કૃતના શ્લોક પઠન અને ગાન, ભગવત ગીતાના શ્લોકનું પઠન, સંસ્કૃત ગીત ઉપર નૃત્ય તેમજ અનેક વિવિધ કૃતિઓ સંસ્કૃત ભાષામાં રજૂ કરવામાં આવી હતી જ્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જાણે સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું.


