- અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઇડેન અને કતારના અમીર શેખે ગાઝાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
- સહાયતા કેન્દ્ર પર પેલેસ્ટાઇનના લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો
- જેમાં ઓછામાં ઓછા 104 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું
પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે. આ ગોળીબારમાં 700થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયેલી સૂત્રોએ પુષ્ટિ કરી કે ઉત્તર ગાઝામાં સૈનિકોએ સવારે એક ભીડ જોઈ જે તેમને જોખમી જણાતાં ગોળીઓ છોડી હતી. ગાઝામાં પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયે આ ઘટનાને નરસંહાર ગણાવીને તેની આકરી નિંદા કરી છે. બીજી તરફ અમેરિકાના વ્હાઇટ હાઉસે પણ એક નિવેદન બહાર પાડીને નાગરિકાનાં મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને એ વાતે સંમત થયું છે કે ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ અટકવું જોઈએ.
વ્હાઇટ હાઉસે દુઃખ વ્યક્ત કર્યું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીએ ગાઝામાં ગુરુવારે મૃત્યુ પામેલા 104 પેલેસ્ટિનિયન નાગરિકોનાં મૃત્યુની ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ યુદ્ધવિરામની આવશ્યકતા જાહેર કરીને માનવીય સહાયતા વધારવા પર ભાર મૂક્યો હતો.
ઘટનામાં શું કઈ રીતે બન્યું
ગાઝામાં બનેલી ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ભોજન માટે તરફડતા હજારો લોકો શહેરના પિૃમી નબુલસી ચોક પરના સહાયતા કેન્દ્ર ખાતેની ટ્રકો તરફ દોડયા ત્યારે આ હિંસાની ઘટના બની હતી. તેણે કહ્યું કે લોકો જ્યારે ટેન્કોની ખૂબ નજીક પહોંચી ગયા ત્યારે સૈનિકોએ ભારે ગોળીબાર કર્યા હતા. ઈઝરાયેલી સેનાએ પહેલાં કહ્યું હતું કે, ઉત્તરી ગાઝા પટ્ટીમાં માનવીય સહાયતા ટ્રકોના પ્રવેશ દરમિયાન ગાઝાનિવાસીઓએ ટ્રકોને ઘેરી લીધી હતી અને પહોંચાડવામાં આવેલી રાહતસામગ્રી લૂંટી લીધી હતી. તેમણે એમ પણ કહ્યું કે આ ઘટના દરમિયાન ધક્કામુક્કી અને કચડાવાના કારણે ઘણા બધા ગાઝાવાસી ઘાયલ થયા હતા. બાદમાં ઈઝરાયેલી સૂત્રએ જણાવ્યું હતું કે ભીડે એવી રીતે સુરક્ષા દળોનો સંપર્ક કર્યો જેનાથી સૈનિકોને જોખમ લાગ્યું, તેથી તેમણે જોખમનો જવાબ ગોળીઓ છોડીને આપ્યો.


