અમરેલી જિલ્લામાં ગીરગંગા નિર્મિત તમામ જળ સ્ટ્રક્ચરો ઓવરફ્લો : ધરતીપુત્રોમાં હર્ષોલ્લાસ
ચેકડેમો છલકાતા ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે; ઉનાળુ અને શિયાળુ પાક માટે ખેડૂતોને મળશે સંજીવની
અગ્ર ગુજરાત, રાજકોટ
અમરેલી જિલ્લામાં તાજેતરમાં થયેલા સાર્વત્રિક વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ખુશાલીનો માહોલ છવાયો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં બનાવવામાં આવેલા તમામ ચેકડેમો અને જળ સ્ટ્રક્ચરો આ વરસાદને કારણે સંપૂર્ણપણે ભરાઈને ઓવરફ્લો થઈ ગયા છે. વર્ષોથી પાણીની તંગી વેઠતા આ વિસ્તારોમાં નદી-નાળા અને ચેક ડેમો છલકાઈ જતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ખુશાલીની લાગણી વ્યાપી ગઈ છે.
તાજેતરના વરસાદથી ચેકડેમો ઓવરફ્લો થવાના કારણે અમરેલી જિલ્લામાં પાણીની કટોકટી ભૂતકાળ બની જશે. આ જળસંચય સ્ટ્રક્ચરોમાં લાખો લીટર પાણીનો સંગ્રહ થવાથી આજુબાજુના સીમ વિસ્તારોના કુવા અને બોરવેલના ભૂગર્ભ જળના તળ ખૂબ જ ઊંચા આવશે. તળ ઊંચા આવવાના કારણે આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ થશે અને ઉનાળાના આકરા દિવસોમાં પણ પાણીની અછત વર્તાશે નહીં. ચેકડેમો ભરાઈ જવાથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. આનાથી પાકના ઉત્પાદનમાં મોટો અને સકારાત્મક ફેરફાર જોવા મળશે. ખેડૂતો હવે કપાસ, મગફળી જેવા ખરીફ પાકની સાથે-સાથે શિયાળુ (રવિ) પાક જેવા કે ઘઉં, જીરું અને ચણાનું બમણું ઉત્પાદન મેળવી શકશે તેમજ પૂરતા પાણીના કારણે પાકની ગુણવત્તા સુધરશે અને સુકારા જેવા રોગો સામે પાકનું રક્ષણ થશે. પાણીની ઉપલબ્ધતા વધતાં પશુઓ માટે લીલા ઘાસચારાની અછત દૂર થશે, જેનાથી પશુપાલન ઉદ્યોગને પણ મોટો વેગ મળશે.
ઉલ્લેખનીય છે કે 1,11,111 સ્ટ્રકચરો તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, રાજકોટે સૌરાષ્ટ્રની પથરાળ અને ડુંગરાળ ધરતી પર વહી જતાં ચોમાસાના પાણીને રોકવા માટે કટિબદ્ધ બનેલી એક અગ્રણી સામાજિક સંસ્થા છે. સંસ્થા દ્વારા ગામડે-ગામડે જઈને ખેડૂતોની સમસ્યાઓ જાણી તૂટેલા ચેકડેમ રિપેર કરવા, નવા ચેકડેમ બનાવવા, ડેમના તળમાંથી ફળદ્રુપ માટી ઉપાડી ખેડૂતોના ખેતરમાં નાખવી વગેરે જેવા ભગીરથ કાર્યો કરવામાં આવે છે. લોકભાગીદારી, ઉદ્યોગપતિઓ અને દાતાઓના આર્થિક સહયોગથી ટ્રસ્ટે સૌરાષ્ટ્રભરમાં હજારો જળ સ્ટ્રક્ચરોનું નિર્માણ કરીને હરિયાળી ક્રાંતિ લાવવાનું અભિયાન આદર્યું છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ આ આનંદના અવસરે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની પથરાળ ભૂમિ પરથી ચોમાસાનું કિંમતી પાણી દરિયામાં વહી જતું અટકાવવું એ જ ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો મુખ્ય સંકલ્પ છે. અમરેલી જિલ્લામાં દાતાઓ અને ખેડૂતોના સહયોગથી જે ચેકડેમો તૈયાર કરાયા હતા, તે આજે ઓવરફ્લો થયા છે. પાણી એ જ ખેડૂતની સાચી સમૃદ્ધિ છે. આ પાણીથી ધરતીપુત્રોના કુવા-બોર રિચાર્જ થશે અને આગામી દિવસોમાં સોના જેવો પાક લણીને ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બનશે.


