- અફઘાનના પરાજયની હેટ્રિક
- બાલબર્ની અને ટકરે અણનમ 72 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય સુધી દોરી હતી
- સુકાની બાલબર્ની 58 તથા ટકર 27 રન બનાવીને અણનમ રહ્યા હતા
આયરલેન્ડે એકમાત્ર ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવીને પોતાના ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત વિજયનો સ્વાદ ચાખ્યો હતો. બીજી તરફ અફઘાનિસ્તાને સતત ત્રીજી ટેસ્ટમાં પરાજયનો સામનો કર્યો હતો. બંને ટીમોને 2018માં ટેસ્ટનો દરજ્જો મળ્યો છે. અફઘાન ટીમે આપેલા 111 રનના ટાર્ગેટને હાંસલ કરવા માટે આયરલેન્ડની ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આયરીશ ટીમે પ્રથમ ટેસ્ટ જીતવા માટે આઠ મેચનો સમય લીધો છે. અફઘાન ટીમે બીજી જ ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો. ત્રીજા દિવસે આસાન ટાર્ગેટ હાંસલ કરવા માટે મેદાને પડેલી આયરલેન્ડની ટીમે 13 રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથી વિકેટ 39ના સ્કોરે પડી હતી. ત્યારબાદ બાલબર્ની અને ટકરે અણનમ 72 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય સુધી દોરી હતી. સુકાની બાલબર્ની 58 તથા ટકર 27 રન બનાવીને અણનમ રહ્યા હતા. બંને દાવમાં કુલ આઠ વિકેટ હાંસલ કરનાર આયરલેન્ડના માર્ક એડેરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અફઘાનિસ્તાને પોતાનો પ્રથમ ટેસ્ટ વિજય આયરલેન્ડ સામે 2019માં હાંસલ કર્યો હતો. આ મેચ દેહરાદૂનમાં રમાઈ હતી.


