ચૈતર વસાવાના ૧૨ ગુનાઓનું લીસ્ટ હાઇકોર્ટમાં આપતી રાજય સરકાર
સ્ટે માંગતી અરજી ફગાવી દેવા ગુજરાત સરકારની હાઇકોર્ટમાં દલીલ
અગ્ર ગુજરાત, અમદાવાદ
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને નર્મદાની કોર્ટે સાત વર્ષની કેદની સજા ફટકારી છે. આ દરમિયાન ધારાસભ્ય પદ બચાવવા માટે જામીન મેળવવા ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે નર્મદા કોર્ટના ચુકાદા પર સ્ટે માગતી અરજી પણ કરી છે. આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકાર પક્ષ તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી. સુનાવણીમાં પણ સરકારે જામીનનો વિરોધ કર્યો હતો.
ડેડીયાપાડામાં વનકર્મી પર થયેલા હુમલાના બહુચર્ચિત કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ચૈતર વસાવાની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને તેમને કોઈપણ સંજોગોમાં જામીન ન આપવા માટે કોર્ટ સમક્ષ ધારદાર રજૂઆતો કરી હતી.સરકાર પક્ષે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે હજુ પણ 12 જેટલી વિવિધ ફરિયાદો પેન્ડિંગ છે.આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે ચૈતર વસાવા સામે નોંધાયેલા ગુનાઓનું સંપૂર્ણ લિસ્ટ હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું અને તેમની જામીન અરજી ફગાવી દેવાની માગ કરી હતી.
ગત સુનાવણી દરમિયાન સરકાર પક્ષ તરફથી ઉપસ્થિત રહેલા સરકારી વકીલ મિતેષ અમીને ધારાસભ્ય સામે અત્યંત ગંભીર આરોપો મૂકતાં ધારદાર દલીલો રજૂ કરી હતી.તેમણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે,ચૈતર વસાવા અને તેમના સાથીદારોએ પોતાની ફરજ પર રહેલા વનકર્મીઓ પર હુમલો કર્યો હતો અને હવામાં ફાયરિંગ કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારાસભ્ય સામે પોલીસ દ્વારા તમામ કાયદેસરની કાર્યવાહી સંપૂર્ણપણે કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી છે.
સરકાર પક્ષે કોર્ટમાં વધુ વિગતો આપતાં ખુલાસો કર્યો હતો કે, સમગ્ર ઘટનાક્રમ ચૈતર વસાવાના ઇશારે જ આકાર પામ્યો હતો.ઘટના સમયે ચૈતર વસાવાના પર્સનલ આસિસ્ટન્ટે વનકર્મીને ફોન કરીને ધમકી આપી હતી અને 60 હજાર રૂપિયાની માતબર રકમની માંગણી કરી હતી.આ પૈસા પાક નુકસાનીના વળતરના નામે માંગવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ વાસ્તવમાં તે સ્પષ્ટપણે ખંડણી જ હતી. પીડિત વનકર્મીએ પોતાની બેંકમાંથી રૂપિયા ઉપાડીને આ ખંડણીની રકમ ચૂકવી હોવાના ચોંકાવનારા પુરાવા પણ સરકાર દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.


