લોકમેળાની હરરાજીમાં આજે આઇસ્ક્રીમના ૧૭ પ્લોટનું ઓકશન, ઊંચી કિંમતે વેંચાયા
તંત્રને ૮૦ લાખથી વધુની આવક, સૌથી વધુ પ્લોટ નંબર ૧3-૧૪નો સૌથી વધુ ભાવ આવ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં જન્માષ્ટમીના મેળાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. હરરાજીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં આજે આઇસ્ક્રીમના ૧૭ પ્લોટ માટેની હરરાજી કરવામાં આવી હતી. જેમાં અપસેટ પ્રાઇઝ કરતા વધુ આવક થઇ હતી.
લોકમેળા સમિતિ દ્વારા પ્લોટની રૂ.૪.૬૦ લાખ અપસેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવી હતી. જેમાં પ્લોટ નંબર ૧ થી ૫ ૬.૯૦ લાખ, ૬ થી ૯, ૧૨, ૧3, ૧૪ નંબરના પ્લોટની ૭.૨૦ લાખ સુધી, પ્લોટ નંબર ૧૦, રૂ.૫.૬૦ લાખ, પ્લોટ નંબર ૧૧ રૂ.૫ લાખ, પ્લોટ નં.૧૫, રૂ.૬ લાખ અને પ્લોટ નં.૧૬ અને ૧૭ રૂ.૪.૮૦ લાખ સુધીમાં વેંચાયા હતાં.
ગઇકાલે રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરી ખાતે લોકમેળા સમિતિ દ્વારા વિવિધ કેટેગરીના પ્લોટની હરાજી યોજાઈ હતી.આ હરાજીની પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ નાની-મોટી ચકરડી અને રાઇડ્સના સંચાલકોએ પોતાની વિવિધ માગણીઓને લઈને અંદાજે એક કલાક સુધી હરાજીની પ્રક્રિયાથી અળગા રહ્યા હતા.
રાઇડ્સ સંચાલકો નવી SOP, પાથરણાવાળાનો ત્રાસ, ડિપોઝિટની રકમ, એક પ્લોટમાં બે ચકરડી મૂકવાની મંજૂરી, ડીઝલનો ભાવવધારો અને મોંઘવારી જેવા મુદ્દાઓને લઈને હરાજી પ્રક્રિયાથી અળગા રહીને વિરોધ નોંધાવી રહ્યા હતા.
વેપારીઓને હરાજીમાં જોડાવવા માટે દક્ષિણ મામલતદાર અને પ્રાંતના શિરસ્તેદાર દ્વારા ત્રણ વખત માઈકમાં જાહેરાત કરવી પડી હતી. પરિણામે સવારે 11: 00 વાગ્યે શરૂ થનાર હરાજી પ્રક્રિયા બપોરે 12:15 વાગ્યે શરૂ થઈ શકી હતી. હરાજીની શરૂઆતમાં જ નાની-મોટી ચકરડીના સંચાલક હારૂનભાઇ, કાનભાઈ અને હિતેન્દ્રસિંહે તંત્ર સામે વિવિધ માગણીઓ મૂકીને તડાફડી બોલાવી હતી. શરૂઆતમાં બંને પક્ષ વચ્ચે થયેલી બોલાચાલી અને ‘તું તું મેં મેં’ બાદ આખરે હરાજી પ્રક્રિયા આગળ વધી હતી.


