દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી
અગ્ર ગુજરાત, દીવ
દીવમાં ચૂંટણી આયોગ દ્વારા શરુ કરાયેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીની સમીક્ષા માટે ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા મતદાર યાદી નિરીક્ષક શ્રી ઓમકાર ગોપાલ રાઠે (IAS) ની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બીએલઓ (BLO) ની કામગીરી, વાંધા-અરજીઓ અને સરવે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
જે નાગરિકોએ હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યા, તેમના માટે ૯ ઓગસ્ટ છેલ્લી તારીખ છે. બાકી રહી ગયેલા મતદારોએ તુરંત પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. જે મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે, તેમણે નોટિસના બીજા પાને દર્શાવેલા ૧૩ માન્ય દસ્તાવેજોમાંથી જરૂરી આધાર-પુરાવા સાથે સુનાવણીમાં અચૂક હાજર રહેવાનું રહેશે. સરવે અને હિયરિંગ દરમિયાન એક જ દિવસમાં આશરે ૭૦૦ થી ૮૦૦ મતદારોને બોલાવવામાં આવતા હોવાથી લોકોને લાંબી લાઈનો અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં પારદર્શક મતદાર યાદી માટે જનતા સહયોગ આપી રહી છે.
આ બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, મામલતદાર ધર્મેશ દમણીયા, હિતેન બામણીયા, મહેબૂબ ખાન, રોહનભાઈ બામણીયા સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


