- દમણ-દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે દાવો કર્યો
- કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024ને લઇને તૈયારીઓ પુરી કરી
- બેઠકના ડેટા તેમજ સર્વે કરી રિપોર્ટ હાઈ કમાન્ડને સોંપશે
ભાજપની યાદી આવ્યા બાદ તમામ રાજકીય પક્ષોમાં હલચલ શરૂ થઈ છે. ભાજપે એક સાથે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે ત્યાં કોંગ્રેસ મહાસચિવ અને દિગ્ગજ નેતા એવા પ્રિયંકા ગાંધી ગુજરાત નજીક દમણ-દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ અંગે દમણ-દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે વાતનો દાવો કર્યો છે.
સ્થાનિક નેતા દ્વારા કરવામાં આવ્યા દાવો
કોંગ્રેસ દ્વારા હજી સુધી ઉમેદવારોના નામ અંગે કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યાં અગાઉ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી હંમેશા લોકસભાના સાંસદ રહેતા સોનિયા ગાંધી હવે રાજ્યસભાથી સાંસદ બન્યા છે આ સ્થિતિમાં રાયબરેલીની બેઠક પ્રિયંકા ગાંધીને મળે તેવી અટકળો હતી. પરંતુ હાલમાં કોંગ્રેસના દમણ-દીવના સ્થાનિક નેતા દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છેકે, પ્રિયંકા ગાંધી દમણ-દીવ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
દમણ દીવ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કેતન પટેલે જણાવ્યું કે, હાઈ કમાન્ડના આદેશ અનુસાર દમણ દીવ બેઠકના ડેટા તેમજ સર્વે કરી રિપોર્ટ હાઈ કમાન્ડને સોંપશે. તેમજ કેતન પટેલનો દાવો છેકે, પ્રિયંકા ગાંધી દમણ દીવથી ચૂંટણી લડે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકને ફાયદો થશે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024ને લઇને તૈયારીઓ પુરી કરી લીધી છે, અને બહુ જલદી પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
ભાજપે લાલુ પટેલને આપી ટિકિટ
નોંધનીય છેકે, ભાજપે દમણ-દીવ બેઠકથી પહેલાથી જ નામની જાહેરાત કરી દીધી છે, આ બેઠક પરથી ભાજપે લાલુ પટેલને ટિકિટ આપી છે. લાલુ પટેલનું નામ જાહેર થતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે. આ જાહેરાત બાદ આતશબાજી કરીને સમર્થકોએ ઉજવણી પણ કરી હતી. પરિવારજનો અને સમર્થકોએ લાલુ પટેલને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.


