- દક્ષિણ ચીન સાગર વિવાદ વણઉકેલાયો મુદ્દો બની ગયો છે : ચીન
- બીઆરઆઈની મદદથી દેશોના ક્ષેત્રીય વ્યાપારમાં તેજી આવી રહી છે : ચીનનો દાવો
- દક્ષિણ ચીની સાગરના મુદ્દે ચીનને અનેક દેશો સાથે તકરાર
ચીને દક્ષિણ ચીન સાગર તથા ભારત સાથેના પૂર્વી લદ્દાખ સીમા મુદ્દે ટેન્શનને ઘટાડવા પ્રયાસ કર્યો છે. પોતાના એશિયન પડોશી દેશો સાથેના સંબંધોમાં વધતી જતી કડવાશને ઘટાડવાના પ્રયાસ કરતાં ચીને સોમવારે જણાવ્યું હતું કે બીઆરઆઈ જેવી પહેલ ગતિ પકડી રહી છે. ચીને દાવો કર્યો હતો કે બીઆરઆઈની મદદથી દેશોના ક્ષેત્રીય વ્યાપારમાં તેજી આવી રહી છે. ચીની સંસદ-નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)ના પ્રવક્તા લોઉ કિનજિયાન અનુસાર તેમણે પોતાના સમગ્ર રાજકીય જીવનમાં પડોશી દેશોને ઉચ્ચ પ્રાથમિકતા આપી છે. એશિયન પડોશીઓ સાથેના ટેન્શન પર કિનજિયાને જણાવ્યું હતું કે બેઇજિંગ દક્ષિણ તરફ વળી રહ્યું છે. તેણે ઉમેર્યું હતું કે દક્ષિણ ચીન સાગર વિવાદ ખતરનાક ફ્લેશ પોઇન્ટની સાથેસાથે વણઉકેલાયો મુદ્દો બની ગયો છે. તેણે જણાવ્યું હતું કે મધ્ય એશિયાના લગભગ તમામ દેશ ચીનની સાથે સંયુક્ત ભવિષ્ય ધરાવતાં સમુદાય બનવા માટે પ્રતિબદ્ધ છે. તેણે બીઆરઆઈને પ્રેસિડેન્ટ શી જિનપિંગની પસંદગીની પહેલ જાહેર કરી હતી. દક્ષિણ સાગરનો ઉલ્લેખ કરતાં કિનજિયાને જણાવ્યું હતું કે ચીન પોતાની ક્ષેત્રીય સંપ્રભુતા અને સમુદ્રી અધિકારો અને હિતોની રક્ષા કરવાનું ચાલુ રાખશે અને ઉમેર્યું હતું કે સાઉથ ચાઇના સીમાં શાંતિ અને સુરક્ષા માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે.
દક્ષિણ ચીની સાગરના મુદ્દે ચીનને અનેક દેશો સાથે તકરાર
નોંધનીય છે કે ચીન દક્ષિણ ચીન સાગરના મોટાભાગના હિસ્સા પર દાવો કરે છે. ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા, બ્રૂનેઇ અને તાઇવાન પણ તેના પર દાવો કરે છે. આ મુદ્દે પાછલા કેટલાક મહિના દરમિયાન ચીન અને ફિલિપાઇન્સ વચ્ચે ટેન્શન વધી ગયું છે. બીજી તરફ અમેરિકા સમર્થિત મનીલા પણ દક્ષિણ ચીન સમુદ્રના એક હિસ્સા પર પોતાનો અધિકાર ગણાવી રહ્યું છે.


