- પીએમ મોદી આજે કાશ્મીરના પ્રવાસે
- શ્રીનગરમાં વિકાસની પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત
- વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમમાં રહેશે હાજર
કલમ 370 નાબૂદ થયા બાદ પહેલીવાર પીએમ મોદી કાશ્મીરના પ્રવાસે છે. આજે તેઓ બપોરે શ્રીનગર પહોંચશે. પીએમ મોદીના પ્રવાસને લઇને શ્રીનગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
મોદીજી વેલકમના નારા લાગ્યા
પીએમ મોદી વિકસિત ભારત વિકસિત કાશ્મીર કાર્યક્રમમાં ભાગ લેવાના છે. જેને લઇને મોટી સંખ્યામાં લોકો અત્યારથી જ ઢોલ નગારા લઇને શ્રીનગરના રસ્તા પર ઉતરી આવ્યા છે. શ્રીનગરમાં રોડ રસ્તા મોદીજી વેલકમના નારાથી ગુંજી ઉઠ્યા છે. લોકો હાથમાં તિરંગો અને ભગવો રંગ ધારણ કરીને આવી પહોંચ્યા છે. પીએમ મોદીના આ કાર્યક્રમમાં સામેલ થવા લોકો દૂર દૂરથી આવી પહોંચ્યા છે. પીએમ મોદીનું સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે. લોકોમાં ખૂબ જ ખુશીની લાગણી છે.
5 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
પીએમ મોદી શ્રીનગરમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન તેઓ જનસભાને સંબોધશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં ‘વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે લગભગ રૂ. 5,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
શ્રીનગરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા
અધિકારીઓએ જણાવ્યું કે પીએમના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને બક્ષી સ્ટેડિયમમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આખું સ્ટેડિયમ તિરંગાના રંગોમાં રંગાઈ ગયું છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને વિરોધ પક્ષો જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની માંગ કરી રહ્યા છે, ત્યારે આ મુદ્દાઓ પર વડા પ્રધાન શું કહે છે તેના પર બધાની નજર રહેશે. તો બીજી તરફ પીએમ મોદીની મુલાકાતને લઇને જમ્મુ અને શ્રીનગર નેશનલ હાઈવે પર સુરક્ષા સઘન બનાવવામાં આવી છે.


