ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરે અતિશય વરસાદથી 6 માછીમારી બોટોને ભારે નુકસાન,
ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સ્થળ પર દોડી પહોંચ્યા: રોજીરોટી પર અસર
અગ્ર ગુજરાત, ઉના
ઉના તાલુકામાં સતત વરસી રહેલા અતિશય વરસાદની અસર સૈયદ રાજપરા બંદર વિસ્તારમાં પણ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે બંદર વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળતાં થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
આ દરમિયાન બંદરે લાંગરેલી માછીમારીની બોટોના દોરડા તૂટી જતાં અંદાજે છ (6) જેટલી માછીમારી બોટો પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ઘટનામાં બોટોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે સ્થાનિક માછીમારોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તાત્કાલિક સૈયદ રાજપરા બંદર ખાતે દોડી પહોંચ્યા હતા. તેમની સાથે તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ પ્રકાશભાઈ બાંભણીયા સાથે તેમણે સ્થળ પર જઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જાણકારી મેળવવી હતી અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NDRFની ટીમ તેમજ પ્રાંત અધિકારી કૌશિકભાઈ પરમાર પણ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિક આગેવાનો, માછીમારો અને અસરગ્રસ્ત લોકો પાસેથી ઘટનાની વિગતવાર માહિતી મેળવી તણાઈ ગયેલી બોટોને સુરક્ષિત બહાર કાઢવા માટે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત માછીમારોને જરૂરી સહાય પૂરી પાડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


