માળીયા મિંયાણામાં પોલીસનું મેગા ઓપરેશન : નકલી સોનાના બિસ્કીટ સહિત હથિયારો ઝડપાયા
દેશી હાથ બનાવટનો તમંચો, ૨૩ કારતૂસ, છરી, તલવાર, ભાલા, ધારીયા, કુહાડી અને ફરસી જેવા ઘાતક હથિયારોનો મોટો જથ્થો : પેરોલ પર છુટયા બાદ ફરાર થયેલો શખ્સ ઝડપાયો
અગ્ર ગુજરાત, મોરબી
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવાના હેતુથી માળિયા(મી) વિસ્તારમાં એક ભવ્ય ‘મેગા ડે-કોમ્બિંગ’ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા પોલીસના જુદા-જુદા વિભાગો, એલ.સી.બી., એસ.ઓ.જી., અને ટ્રાફિક શાખાના અધિકારીઓ સહિત આશરે ૪૫૦ જેટલા પોલીસ જવાનોની અલગ-અલગ ટીમો બનાવી ડ્રોન કેમેરા અને વીડિયોગ્રાફી સાથે માળિયા તાલુકાના ખીરઇ ગામે ફૂટ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ લોખંડી બંદોબસ્ત અને કડક તપાસના કારણે ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
આ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી, જેમાં વિશાળા હોટેલ પાછળ રહેતા સિદ્દીકભાઈ સુબાનભાઈ કટિયાના ઘરે દરોડો પાડતા ત્યાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો, ૨૩ કારતૂસ, તેમજ છરી, તલવાર, ભાલા, ધારીયા, કુહાડી અને ફરસી જેવા ઘાતક હથિયારોનો મોટો જથ્થો અને ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આ ઉપરાંત, હળવદ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૧ના ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલો અને પેરોલ રજા પરથી ફરાર (પેરોલ જમ્પ) થયેલો પાકો કેદી આરીફભાઈ મહેબુબભાઈ જામ પણ આ ડ્રાઇવ દરમિયાન ઝડપાઈ ગયો હતો. સાથોસાથ પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો વોન્ટેડ આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવર પણ પોલીસના સકંજામાં આવી ગયો હતો, જેના રહેણાંક મકાને ગેરકાયદેસર વીજ ચોરી થતી હોવાનું પણ બહાર આવ્યું છે.
મોરબી પોલીસ દ્વારા આ મેગા કોમ્બિંગ દરમિયાન માત્ર અસામાજિક તત્વો પર જ નહીં, પરંતુ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન કાળા કાચવાળી કે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડીઓની તપાસ કરી એમ.વી. એક્ટ-૨૦૭ મુજબ ૩૬ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ રૂ. ૧૭,૧૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં શાંતિ અને કાયદાનું શાસન જળવાઈ રહે તે માટે મોરબી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ આ કામગીરીને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો.


