- નવનીત રાણાને જાનથી મારી નાંખવાની મળી ધમકી
- વોટ્સએપ પર ઓડિયો મેસેજમાં મળી ધમકી
- નવનીત રાણાના PAએ નોંધાવી પોલીસ ફરિયાદ
અમરાવતીની સાંસદ નવનીત રાણાને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર એક ધમકી ભર્યો ઓડિયો મોકલ્યો હતો. જેને લઇને અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધમકી આપનારે અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.
પોલીસે આ મામલે ગુનો નોંધ્યો
આ કેસની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે સાંસદ નવનીત રાણાને 3 માર્ચના રોજ તેમના ફોન નંબર પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. ત્યારબાદ તેમના અંગત સહાયકે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ઓડિયો ક્લિપમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને RSS વડા મોહન ભાગવત વિરુદ્ધ પણ વાંધાજનક શબ્દો બોલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે રાણાના પીએની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની અનેક કલમો હેઠળ ગુનાહિત ધાકધમકી માટે કેસ નોંધ્યો છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ કારણે આવ્યા હતા ચર્ચામાં
નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા રાજકારણમાં કોઇને કોઇ બાબતે ચર્ચામાં રહે છે. તેમણે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના જાપ કરવાનું આહ્વાન કર્યુ હતું. જેનાથી શિવસેનાના કાર્યકરોએ ગુસ્સે થઇને વિરોધ કર્યો હતો. જે બાદ મુંબઇ પોલીસે બંને પક્ષ પર દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો અને ધરપકડ કરી હતી. મહત્વનું છે કે નવનીત રાણાએ આગામી લોકસભાની ચૂંટણીમાં અમરાવતી સીટ પર ચૂંટણી લડવાનો દાવો કર્યો હતો.


