- ચંડીગઢ જતી 9 ટ્રેનો રદ, શતાબ્દી ત્રણ કલાક મોડી દોડી
- બંને રાજ્યોમાં ઘણા સ્થળોએ ખેડૂતો બપોરે 12થી ચારમાં રેલવે ટ્રેક પર બેસી ગયા
- આંદોલનરત ખેડૂતોએ રવિવારે ચાર કલાકના રેલ રોકો આંદોલનનું આહવાન કર્યું
પાકો માટે એમએસપીની ગેરંટીના કાયદા સહિતની માગણીઓ સાથે પંજાબમાં એક મહિનાથી આંદોલનરત ખેડૂતોએ રવિવારે ચાર કલાકના રેલ રોકો આંદોલનનું આહવાન કર્યું હતું. પંજાબ-હરિયાણામાં ઘણા સ્થળોએ ખેડૂતો બપોરે 12થી ચાર વાગ્યા દરમિયાન રેલવે ટ્રેક પર બેસી ગયા હતા. પંજાબમાં 22 જિલ્લામાં બાવન સ્થળોએ જ્યારે હરિયાણામાં સિરસા સહિત ત્રણ સ્થળોએ રેલવે ટ્રેક જામ કરી દેવાયો હતો. તેના કારણે બંને રાજ્યોમાં 100થી વધુ ટ્રેનોને અસર થઇ હતી અને પ્રવાસીઓએ ભારે તકલીફોનો સામનો કરવો પડયો હતો. ચંડીગઢ જતી 9 ટ્રેનો રદ કરવામાં આવી હતી જ્યારે શતાબ્દી એક્સપ્રેસ ત્રણ કલાક મોડી દોડી હતી.
પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર તેમજ મોહાલી રેલવે સ્ટેશને પણ ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયા હતા. અમૃતસર, જલંધર અને સુનામમાં પણ ખેડૂતોએ રેલવે ટ્રેક જામ કર્યો હતો. દિલ્હી-અમૃતસર રૂટ પરની ઘણી ટ્રેનો અસરગ્રસ્ત થઇ હતી. રેલ રોકો આંદોલનમાં મહિલાઓ પણ જોડાઇ હતી. ખેડૂતોના ધરણાને કારણે કેટલીક ટ્રેનો બ્યાસ અને લુધિયાણાથી પરત મોકલી દેવાઇ હતી, જેમાં શાન-એ-પંજાબ, અમૃતસર એક્સપ્રેસ, અજમેર એક્સપ્રેસ સહિતની ટ્રેનો સામેલ હતી. જલંધર કેન્ટ સ્ટેશને ખેડૂતોએ ટ્રેક પર ઉતરીને ટ્રેન રોકી હતી. પટિયાલા સ્ટેશનના ટ્રેક પર પણ ખેડૂતોએ જામ કર્યો હતો. ખેડૂતોએ દાવો કર્યો હતો કે ભટિન્ડા-શ્રીગંગાનગર વચ્ચે કોઇ ટ્રેન નથી દોડી. સરકારની ખેડૂતવિરોધી નીતિ સામે આજે આખા પંજાબમાં રેલ રોકો આંદોલન હાથ ધરાયું હતું.


