- રવિવારે જૌનપુરના ગૌરાબાદશાહપુર વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો
- ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 6ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં
- ગંભીર રીતે ઘાયલ લોકોને વારાણસી ટ્રોમા સેન્ટરમાં રિફર કરાયા હતાં
ઉત્તરપ્રદેશમાં રવિવારે જૌનપુરના ગૌરાબાદશાહપુર વિસ્તારમાં એક ટ્રક સાથે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કાર અને ટ્રક અથડાતાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ધડાકાભેર કાર અને ટ્રક અથડાતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં.
કારમાં સવાર 6 લોકોના મોત નીપજ્યાં હતા
ઘટનાની મળતી માહિતી અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે, આ ગંભીર અકસ્માત ગૌરાબાદ શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રસાદ તિરાહે પાસે થયો હતો. જેના પરિણામે કારમાં સવાર છ લોકોના મોત થયા હતા. વધુમાં પોલીસે જણાવ્યું કે, જ્યારે તેમને ઘટનાની જાણ થઈ ત્યારે એક ટીમ પ્રયાગરાજ જઈ રહી હતી.
ગંભીર રીતે ઘાયલ 3 લોકોને વારાણસી ટ્રોમા સેન્ટર શિફ્ટ કરાયાં
આ સાથે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વધુમાં તેમણે કહ્યું કે, મૃતકોની ઓળખ થઈ છે જેમાં અનિલ શર્મા (36), ગજાધર શર્મા (60), જવાહર શર્મા (55), સોનમ (32), ગૌતમ (18) અને રિંકી (33) નો સમાવેશ થાય છે. તેમજ ત્રણ વ્યક્તિઓ કે જેઓ એક જ કારમાં મુસાફરી કરી રહ્યાં હતા અને અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમને સારવાર માટે વારાણસી ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતાં.
તમામ વ્યક્તિઓ એક પરિવારના અને બિહારના સીતામઢીના રહેવાસી
આમાંના બે ઘાયલ વ્યક્તિઓની ઓળખ મીના શર્મા (40) અને યુગ શર્મા (9) તરીકે થઈ હતી જ્યારે ત્રીજા વ્યક્તિની ઉંમર 25 વર્ષની હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં સામેલ તમામ વ્યક્તિઓ એક જ પરિવારના છે અને બિહારના સીતામઢીના રહેવાસી છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


