૪-૫ ઇંચ વરસાદમાં જ શહેરમાં ૮૭ સ્થળો જળમગ્ન થવાની શકયતા
મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી યાદી : દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને હાલાકી સહન કરવી પડશે : કાયમી સમસ્યાના ઉકેલ માટે તંત્ર વામણું હોવાની શહેરભરમાં ચર્ચા : પાણીના નિકાલ માટે મશીનરીઓ મૂકાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
સુરતમાં ખાબકેલા સાંબેલાધાર વરસાદથી ડાયમંડ નગરી પાણીમાં ડુબી ગઇ છે. મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. આવી સ્થિતિ રાજકોટમાં પણ નિર્માણ પામે તેમ છે. મનપા દ્વારા આવા ૮૭ સ્થળો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્થળોએ દર વર્ષે પાણી ભરાયા છે. ત્યારે આ વર્ષે પણ ૪-૫ ઇંચ વરસાદમાં પાણી ભરાઇ શકે તેમ છે.
રાજકોટમાં દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે, જે લોકો માટે મોટી આફત સમાન બની રહે છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆત પહેલાં પ્રિ-મોન્સુન કામગીરીના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે. જોકે, વાસ્તવિકતા એ છે કે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. પ્રિ-મોન્સુન બેઠકોમાં માત્ર કાગળ પર ચર્ચાઓ થાય છે, પરંતુ જે રોડ-રસ્તાઓ દર ચોમાસે પાણીમાં ગરકાવ થઈ જાય છે તેના કાયમી નિકાલ માટે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી. આ જ કારણે સામાન્ય કે ભારે વરસાદમાં પણ શહેરના અસંખ્ય માર્ગો જળબંબાકાર થઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.
આ વર્ષે ચોમાસાની સીઝન શરૂ થઈ ચૂકી હોવા છતાં રાજકોટમાં હજી સુધી કોઈ નોંધપાત્ર કે ભારે વરસાદ નોંધાયો નથી. પરંતુ જો શહેરમાં એકસાથે 4 ઈંચ કે તેનાથી વધુ વરસાદ ખાબકશે, તો શહેરના અનેક રાજમાર્ગો અને જાહેર રસ્તાઓ નદી-તળાવમાં ફેરવાઈ જશે તે નિશ્ચિત છે. વરસાદી પાણી ભરાવાને કારણે રસ્તાઓ ધોવાઈ જાય છે અને સમગ્ર શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ, શહેરના ત્રણેય ઝોનના અલગ-અલગ વિસ્તારોમાં 87 એવા મુખ્ય જાહેર માર્ગો છે જ્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે.
તંત્રના જણાવ્યા મુજબ, જે વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થશે ત્યાં તાત્કાલિક ધોરણે હેવી પંપિંગ મશીનરી તેમજ અન્ય જરૂરી સાધનોની મદદથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવશે. આ કામગીરી માટે ત્રણેય ઝોનમાં અગાઉથી આ સંવેદનશીલ માર્ગોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. નાગરિકોને વરસાદી મોસમ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને વાહન વ્યવહાર તેમજ રોજિંદા જનજીવન પર તેની ઓછામાં ઓછી અસર થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ માટે ઈમરજન્સી નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
રેલનગર અન્ડરબ્રિજ અને પોપટપરા નાળા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ જાય છે. વરસાદી પાણી ભરાવાને કારણે રસ્તાઓનું ધોવાણ થાય છે અને કલાકો સુધી પાણી જમા રહેવાથી પાકા ડામર રોડ પર પણ મોટા-મોટા ખાડાઓ પડી જાય છે. રસ્તા પર પાણી ભરેલું હોવાથી વાહનચાલકોને ખાડાની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેથી ગંભીર અકસ્માતો થાય છે. ત્યારે હવે તંત્ર દ્વારા ભારે વરસાદમાં કેવી વ્યવસ્થા કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.
ઇમરજન્સી નંબર જાહેર કરાયા
જો કોઈ પણ વિસ્તારમાં પાણી ભરાવાની, ઝાડ પડી જવાની કે અન્ય કોઈ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો નાગરિકો ત્વરિત સહાય અને ફરિયાદ માટે કોર્પોરેશનનાં 24 કલાક કાર્યરત સેન્ટ્રલ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. આ માટે ટોલ ફ્રી નંબર: 155304, લેન્ડલાઈન નંબર: 0281-2228741 અને 0281-2225707 છે. લોકો આ નંબર પર સંપર્ક કરીને પોતાની સમસ્યાની નોંધણી કરાવી શકશે, જેથી સંબંધિત વોર્ડની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યોગ્ય કાર્યવાહી તરત શરૂ કરશે. અને વહેલી તકે સમસ્યાઓ દૂર કરાશે.


