વૈશ્વિક સહકારી સપ્તાહ અંતર્ગત રાજકોટ ૮૯.૬ FM પર આજે ટોક-શો
નાગરીક બેંકના ચેરમેન સાથે કરાશે વાર્તાલાપ
અગ્ર ગુજરાત, રાજકોટ
વૈશ્વિક સહકારી સપ્તાહ (૨૯ જૂન થી ૪ જુલાઈ)ની ઉજવણી ચાલી રહી છે. તેના ભાગરૂપે ૮૯.૬ એફએમ રેડિયો રાજકોટ દ્વારા સહકારી પ્રવૃત્તિઓ અને તેના મહત્વને જન-જન સુધી પહોંચાડવા માટે એક વિશેષ ટૉક શોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિશેષ શ્રેણી અંતર્ગત, સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના ચેરમેન દિનેશભાઈ પાઠકનો એક વિસ્તૃત અને માહિતીસભર ઈન્ટરવ્યુ પ્રસારિત કરવામાં આવશે. ઇન્ટરવ્યુ દરમિયાન દિનેશભાઈ પાઠકે સહકારી બેંકોની કાર્યપદ્ધતિ, સામાન્ય માનવીના આર્થિક ઉત્થાનમાં તેનું યોગદાન અને ભવિષ્યના આયોજનો અંગે ખૂબ જ સરળ અને સચોટ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
આ ખાસ કાર્યક્રમનું પ્રસારણ તા. ૪ જુલાઈ ૨૦૨૬ને શનિવારના રોજ સવારે ૧૦થી ૧૨ દરમિયાન ૮૯.૬ એફએમ રેડિયો રાજકોટ પર કરવામાં આવશે. આ બે કલાકના વિશેષ પ્રસારણ દરમિયાન દિનેશભાઈ પાઠકના ઈન્ટરવ્યુ ઉપરાંત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અન્ય તજજ્ઞો અને આગેવાનોના મંતવ્યો પણ રજૂ કરવામાં આવશે, જે શ્રોતાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
૮૯.૬ એફએમ રેડિયો રાજકોટની ટીમ દ્વારા રાજકોટ અને આસપાસના વિસ્તારના તમામ નાગરિકો તેમજ સહકારી ક્ષેત્રના હિતધારકોને આ પ્રેરણાદાયી અને માહિતીસભર કાર્યક્રમ સાંભળવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ ઉપરાંત આવતા દિવસોમાં અન્ય સહકારી આગેવાનો જેવા કે, વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ.ના ચેરમેન નિકુંજભાઈ ધોળકિયા, ધરતી કો ઓપરેટિવ બેંક લિ. મેનેજીંગ ડિરેક્ટર શ્રી રાજુભાઈ ભંડેરી, રાજકોટ સહકારી સંઘના સીઇઓ જયશ્રીબેન ત્રિવેદી વગેરેના ઇન્ટરવ્યૂ પ્રસારિત થશે.


