મોરબીના જેતપર ખેડૂત આંદોલને રાષ્ટ્રીય સ્તરે સમર્થન, આજે હરિયાણાના અગ્રણીની મુલાકાત
માંગણી મુજબની નીતિ જાહેર ન થતા આંદોલન ઉગ્ર બનવાના એંધાણ, મહાપંચાયતની મક્કમ તૈયારીઓ
અગ્ર ગુજરાત, મોરબી
મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની પાસેથી પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 16મા દિવસે પણ વણઉકલ્યું રહ્યું છે. સરકાર દ્વારા ખેડૂતોની 6 મુખ્ય માંગણીઓ અંગે કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા, આંદોલનને વધુ વેગ આપવા માટે આજે હરિયાણાના પ્રખ્યાત ખેડૂત આગેવાન ગુરનામ સિંહ ચઢુની જેતપર ઉપવાસી છાવણીની મુલાકાતે આવી રહ્યા છે. વળતરની નવી નીતિ જાહેર ન થતાં રોષે ભરાયેલા ખેડૂતોએ હવે આગામી દિવસોમાં ગુજરાત સ્તરે વિરાટ ‘મહા પંચાયત’ યોજવાની મક્કમ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન 3 જુલાઈએ રાજ્યના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વીજ પોલ મુદ્દે વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. તેવામાં ખેડૂતો જ્યાં સુધી સરકારનો પત્ર ન મળે અને તેનો અભ્યાસ ન કરી લે ત્યાં સુધી કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે અને આંદોલનને યથાવત રાખ્યું છે
ખેડૂતો છેલ્લા 16 દિવસથી ન્યાયિક વળતર માટે આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સકારાત્મક નીતિ કે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. આ મડાગાંઠને પગલે આંદોલન સમિતિના અગ્રણી વૈભવ અમૃતિયાએ જણાવ્યું કે, જો સરકાર વીજપોલના વળતર અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લે, તો ટૂંક સમયમાં જ ગુજરાતમાં એક મોટી ખેડૂત મહા પંચાયત બોલાવવામાં આવશે. આ પ્રસ્તાવિત મહા પંચાયતમાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ હજારો ખેડૂતો સહભાગી બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
હાલ ચોમાસાની ઋતુ અને વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આંદોલનકારીઓએ પોતાની રણનીતિ બદલી છે. અગાઉની સામાન્ય ઉપવાસી છાવણીના સ્થાને હવે ઘટનાસ્થળે વિશાળ વોટરપ્રૂફ ડોમ ઊભો કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે ગમે તેટલો વરસાદ પડે કે પ્રતિકૂળ હવામાન હોય, પણ ન્યાય ન મળે ત્યાં સુધી આ આંદોલન કોઈપણ અડચણ વિના અવિરતપણે ચાલુ જ રહેશે.
આ આંદોલન હવે માત્ર જેતપર પૂરતું સીમિત ન રહેતા સમગ્ર મોરબી જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં લોકઆંદોલન બની રહ્યું છે. આજે સવારે માળિયા તાલુકાના 6 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં બાઇક રેલી સ્વરૂપે અને સરવડ ગામના ખેડૂતો ટ્રેક્ટરોની વણઝાર સાથે જેતપર ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતા. આ આંદોલનને ગ્રામીણ વિસ્તારોમાંથી ભારે જનસમર્થન મળી રહ્યું છે અને દરરોજ હજારો ખેડૂતો તેમજ મહિલાઓ છાવણીની મુલાકાત લઈ રહી છે.


