વાંકાનેરમાં વ્યાજખોરોની ચુંગાલમાંથી રૂ.૭.૧૯ લાખનો મુદામાલ મુકત કરાયો
ફરિયાદીઓને પોતાની વસ્તુઓ પરત કરતી પોલીસ
અગ્ર ગુજરાત, મોરબી
વાંકાનેર તાલુકા પોલીસે વ્યાજખોરીના ગુનામાં પ્રશંસનીય કામગીરી કરીને રૂ. 7.19 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કરી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ફરીયાદી અને તેના સાથીદારોને પરત સોંપ્યો છે.
મળતી માહિતી મુજબ, ગત તા. 31/05/2026ના રોજ રાતાવીરડા ગામના પ્રવિણભાઈ હરખાભાઈ ઉકેડીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ભાનુભાઈ લાલજીભાઈ કુણપરા અને સવશીભાઈ જાદવભાઈ કુણપરાના નિવેદનોના આધારે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.
તપાસમાં આરોપી બીજલભાઈ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરાએ વ્યાજ પેટે ફરિયાદીની સ્પ્લેન્ડર મોટરસાયકલ (કી.રૂ. 30 હજાર) કબજે કરી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સહ-આરોપી હિતેશભાઈ મગનભાઈ કકાસણિયાએ ભાનુભાઈની સ્વિફ્ટ કાર (કી.રૂ. 3 લાખ) વ્યાજના બદલામાં પડાવી લીધી હતી. ઉપરાંત ફરિયાદી અને બંને સાક્ષીઓ પાસેથી કુલ 89.93 ગ્રામ વજનના સોનાના ઘરેણાં પણ વ્યાજ પેટે લઈ લેવામાં આવ્યા હતા.
વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી કરીને સ્પ્લેન્ડર મોટરસાયકલ, સ્વિફ્ટ કાર તેમજ કુલ રૂ. 7,19,440 કિંમતના સોનાના ઘરેણાં સહિતનો સમગ્ર મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કર્યો હતો.
આજે નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ એસ.એચ. સારડાના હસ્તે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત તમામ મુદ્દામાલ ફરિયાદી અને તેના સાથીદારોને પરત આપવામાં આવ્યો હતો. આ કામગીરી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસે “પોલીસ પ્રજાની મિત્ર”ના સૂત્રને વધુ એક વખત સાર્થક કર્યું છે.


