યુવાનો બનશે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’: માય ભારતની સાત દિવસીય તાલીમનો પ્રારંભ
૫૦ સ્વયંસેવકોને અપાશે આપતિ વ્યવસ્થાપન અંગેનું માર્ગદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના ઉપક્રમ માય ભારત (MY Bharat) હેઠળ રાજકોટ જિલ્લાના 50 સ્વયંસેવકો માટે સાત દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ તા. 1 જુલાઈથી 7 જુલાઈ, 2026 દરમિયાન યોજાશે.
આ તાલીમ કાર્યક્રમનું આયોજન સ્પીપા (SPIPA) અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, જિલ્લા વહીવટી તંત્ર રાજકોટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા સ્વયંસેવકોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાની, આપત્તિના સમયે અસરકારક પ્રતિભાવ આપવાની ક્ષમતા વિકસાવવાની તેમજ સમાજને ઝડપી અને સુવ્યવસ્થિત સહાય પૂરી પાડવા માટે પ્રશિક્ષિત માનવબળ તૈયાર કરવાનો છે.
સાત દિવસીય તાલીમ દરમિયાન સ્વયંસેવકોને આગ, પૂર, ભૂકંપ, વાવાઝોડું, માર્ગ અકસ્માત, ઈમારત ધરાશાયી થવા જેવી કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ દરમિયાન બચાવ અને રાહત કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત આપત્તિ સમયે જોખમનું મૂલ્યાંકન, સ્થળનું સંચાલન, અસરગ્રસ્ત લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, પ્રાથમિક સારવાર (First Aid), શોધ અને બચાવ (Search & Rescue), આગ પર નિયંત્રણ, સંચાર વ્યવસ્થા, ટીમ સંકલન તેમજ વ્યક્તિગત સુરક્ષા અંગે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે.
તાલીમ દરમિયાન અનુભવી નિષ્ણાત પ્રશિક્ષકો દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે તેમજ વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ મોક ડ્રિલ (Mock Drill) અને પ્રાયોગિક અભ્યાસ દ્વારા સ્વયંસેવકોને આપત્તિ સમયે ઝડપી, સંકલિત અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે તૈયાર કરવામાં આવશે.
આ તાલીમથી તૈયાર થતા માય ભારતના સ્વયંસેવકો ભવિષ્યમાં જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ, જનજાગૃતિ અભિયાનો તેમજ આપાતકાલીન પરિસ્થિતિઓમાં જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપી સમાજના જીવન અને સંપત્તિના રક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.
માય ભારત દ્વારા યુવાનોને રાષ્ટ્રનિર્માણની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડવાના પ્રયાસોના ભાગરૂપે આયોજિત આ તાલીમ કાર્યક્રમ યુવાનોમાં સેવા, નેતૃત્વ, શિસ્ત અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવશે તેમજ આપત્તિ પ્રત્યે વધુ સજ્જ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


