- બાથરૂમમાં હાર્ટ એટેક આવતા નિપજ્યુ મોત
- યુવક ચાર દિવસ પહેલા રાજકોટ આવ્યો હતો
- યુવક મુંબઈમાં કોલેજમાં અભ્યાસ કરતો હતો
રાજ્યમાં વધુ એક વખત નાની ઉંમરના યુવકે હાર્ટ એટેકમાં જીવ ગુમાવ્યો છે. જેમાં મુંબઇની રાજકોટ વેકેશન કરવા આવેલા 18 વર્ષના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. યુવક બાથરુમમાં નાહવા ગયો અને હાર્ટ એટેક આવતા બેભાન થઈ ગયો હતો. બાદમાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની માહિતી અનુસાર, રાજકોટમાં મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટ બી વિંગ-1માં રહેતો મીત રાજેશભાઈ હિંડોચા નામનો 18 વર્ષીય યુવક પોતાનાં ઘરે બાથરૂમમાં નાહવા ગયો હતો. જે બાદ વધુ સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોએ દરવાજો ખોલીને જોતાં યુવક બેભાન હાલતમાં પડ્યો હતો. પરીવારજનો દ્વારા યુવકને તાત્કાલિક બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જો કે, ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. તેમજ તબીબે યુવકનું હૃદય રોગના હુમલાથી મોત થયાનું જાહેર કર્યુ. ત્રણ જુડવા પુત્રોમાંથી એકનું નિધન થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા જ યુવકે દમ તોડી દીધો હતો.
મીત મુંબઈમાં બાલ ભારતી જુનિયર કોલેજમાં ધો. 12માં કોમર્સનો અભ્યાસ કરતો હતો. તે મુંબઈમાં હોસ્ટેલમાં રહેતો હતો. મીતને વેકેશન પડ્યું હોવાથી ગત રવિવારે મુંબઈથી રાજકોટ વેકેશન માણવા આવ્યો હતો. મીત ત્રણ જુડવા ભાઈઓ પૈકી એક હતો. જોડિયા સંતાનોમાંથી એકનું મોત થતા પરીવારમાં કલ્પાંત છવાયો છે


