ગુજરાતમાં તા.૭મેના રોજ થશે મતદાન
સાત તબક્કામાં થશે મતદાન
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર, સુખબીર સંધુ, જ્ઞાનેશકુમારે તથા ડે. કમિશનર અજયકુમાર ભાદુ, નીતેશ વ્યાસ સહિતના અધિકારીઓએ કરી જાહેરાત
ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટા ચૂંટણી પણ જાહેર
ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા અમલી બનશે : ૧૦.૫ લાખ મતદાન મથકો પર 97 કરોડ લોકો મતદાન કરી શકશે
દેશવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે બપોરે 3 વાગ્યે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર, સુખબીર સંધુ, જ્ઞાનેશકુમારે પત્રકાર પરિષદને સંબોધતા દેશની ૧૮મી લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં ૧૦.૫ લાખ મતદાન મથકો પર 97 કરોડ લોકો મતદાન કરી શકશે.
તા.૧૯ એપ્રિલ થી તા.૧ જૂન સુધી ચૂંટણી યોજાશે. જેમાં ગુજરાતની ચૂંટણી તા.૭મેના જાહેર થઇ છે. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું તા.૧૯ એપ્રિલના રોજ બીજા તબક્કામાં ૨૬ એપ્રિલ, ત્રીજા તબક્કામાં ૭મે, ચોથા તબક્કામાં ૧3 મે થશે. પાંચમાં તબક્કામાં ૨૦ મે થશે. છઠ્ઠા તબક્કામાં ૨૫ મે અને સાતમાં તબક્કાની ચૂંટણી તા.૧ જૂનના રોજ યોજાશે. ૪ જૂને લોકસભાનું પરિણામ આવશે.
વિશ્વના સૌથી મોટા અને જીવંત લોકતંત્રની ચૂંટણી પર વિશ્વની નજર રહેશે. ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું હતું કે આ ચૂંટણી માટે અમે સંપૂર્ણ તૈયાર છીએ. અમે વિશ્વભરમાં મતદાન દ્વારા લોકશાહીના જીવંત ઉદાહરણના સાક્ષી બનીશું. ૮૦૦થી વધારે જિલ્લા કલેકટર, ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ, એસપી અને આઇજી સાથે મેં ખુદએ વાત કરી દેશમાં નિષ્પક્ષ ચૂંટણી માટે તૈયાર હોવાની ખાતરી કરી છે. ૧.૫ કરોડ પોલીંગ ઓફિસરો અને સિકયુરીટી જવાનો લોકસભાની ચૂંટણીમાં કાર્યરત રહેશે. તેમણે કહ્યું હતું કે ચૂંટણીનું પર્વ સમગ્ર દેશમાં ગર્વનું પર્વ છે. તમામ મતદાન મથકો પર વિકલાંગો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. ૮૫ વર્ષથી વધુ વયના પ્રાઉડ મતદાર તરીકે વિશેષ સુવિધા મળશે. ૪૮ હજાર કિન્નરોનો મતદાર યાદીમાં થયો છે સમાવેશ. સુરક્ષા માટે પ્રથમ વખત ચૂંટણીમાં ડ્રોનનો ઉપયોગ કરાશે.


