લીમડી નજીક પાણશીલા ચેકપોસ્ટ પાસે ઝડપાયો, ચોટિલાથી ટેન્કર અન્ય કોઇને સોંપી દેવાનું હોવાની ચાલકની કબૂલાત
રાજકોટમાં હોળી-ધેળેટીના તહેવાર પહેલા દારૂનો મોટો જથ્થો ઘુસાડવાની ખેપ સ્ટેટ મોનીટરીંગ સેલે નિષ્ફળ બનાવી છે. પંજાબથી રાજકોટ તરફ આવતો રૂ.૨૯ લાખની કિંમતનો દારૂ ભરેલો એક ટેન્કર લીમડી પાસે પાણશીલા ચેકપોસ્ટ નજીકથી પકડાયો હતો. ટેન્કર ચાલક રાજસ્થાનના શખ્સે એવી કબૂલાત આપી હતી કે, દારૂનો આ માલ પંજાબથી ટેન્કરમાં ભરીને એક અજાણ્યો શખ્સ આપી ગયો અને આ માલ ચોટિલાના એક બુટલેગરે મગાવ્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલને એવી બાતમી મળી હતી કે, પંજાબથી દારૂ ભરીને એક ટેન્કર રાજકોટ તરફ જઇ રહયુ છે. જેના આધારે પીએસઆઇ એ.વી.પટેલ અને તેમની ટીમે હાઇ-વે અને હાઇ-વેને જોડતા અંતરિયાળ રસ્તોઓ પર પેટ્રોલીંગ વધારી દીધુ હતુ. એ દરમિયાન લીંમડી નજીક પાણશીલા ચેકપોસ્ટ પાસેથી જીજે૨ઝેડ-૮૨3૨ નંબરનું ટેન્કર નીકળતા તેને અટકાવી લેતા તલાસી લેવામા આવતા તેમાથી બીયરના ટીન અને અંગ્રેજી દારૂની પેટી સહિત ૨૯ લાખ ૨૨ હજારનો માલ નીકળ્યો હતો.
ટેન્કર ચાલક મોબતરામ બિસ્નોઇ રાજસ્થાનના બગોડા તાલુકાના રહેવાસીએ પોલીસ પુછપરછમાં એવુ રટણ કર્યુ હતુ દારૂનો આ માલ પંજાબથી અશિદ સરદારજી નામના શખ્સે ભટીંડાના એક અજાણ્યા શખ્સ મારફતે મોકલ્યો હતો. મારે તો આ ટેન્કર ચોટિલા સુધી પહોંચાડવાનું હતુ. ચોટિલાના આ શખ્સને હું ઓળખતો નથી. જો કે પોલીસને ટેન્કરચાલકની આ વાત ગળે ઉતરતી નથી. ટેન્કરચાલકને રિમાન્ડ પર લેવામા આવે અને આકરી પુછપરછ થાય તો દારૂ સપ્લાયના આ નેટવર્કના મુળ સુધી પહોંચી શકાય તેમ છે.
ચોટિલા ‘કટીંગ’ થવાનું હતુ?
ટેન્કર ચાલક રાજસ્થાનના શખ્સે પોલીસને એવુ કહ્યુ હતુ કે, દારૂ ભરેલુ આ ટેન્કર ચોટિલા મુકીને મારે મારી રીતે પરત આવી જવાનું હતુ. ચોટિલાથી અન્ય શખ્સો ટેન્કર સંભાળવાના હતા. ચોટિલા અને સુરેન્દ્ર પંથક દારૂના કટિંગ માટે કુખ્યાત છે. અહીં અન્ય પેટા બુટલેગરો ગામડાંઓ કે વાડી-સીમ વિસ્તારમાંથી થઇને દારૂ રાજકોટ ઘુસાડે છે. રૂ.૨૯ લાખનો આ દારૂ રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં જ પહોંચવાનો હતો એવુ સ્પષ્ટપણે માનવામા આવી રહ્યુ છે.
ગુજરાત બોર્ડર ઓળંગી લીમડી સુધી દારૂ પહોંચવો કઇ રીતે શક્ય?
ચૂંટણીની આચારસંહિતા અમલી બની ગઇ છે, ગુજરાત બોર્ડર પર ચુસ્ત ચેકીંગ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે તેવા બણગા ફૂંકતા રાજ્યના ગૃહ ખાતાને એક સો મણનો સવાલ એ થાય છે કે, પંજાબથી નીકળેલો દારૂનો જંગી જથ્થો ભરેલુ ટેન્કર ગુજરાત બોર્ડર ઓળંગી રસ્તામાં આવતાં અન્ય ચેકપોસ્ટ ઠેંકીને છેક લીમડી સુધી કઇ રીતે આવી ગયો હશે? ક્યાંકને ક્યાંક ભ્રષ્ટ છીંડા જરૂર છે તેવી શંકા નકારી શકાય તેમ નથી.


