- રોહન ગુપ્તા અંગત કારણોસર નહી લડે ચૂંટણી
- રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ ઉપરથી ચૂંટણી લડવાના હતા
- આજે મોડી સાંજે રોહન ગુપ્તાએ અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી દીધી
ગુજરાત કોગ્રેસને આજે એક મોટો ફટકો પડયો છે,જેમાં અમદાવાદ લોકસભા પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ અચાનક ચૂંટણી લડવાની ના પાડતા હાહાકાર મચી ગયો હતો.તો તેમણે ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલને પત્ર લખી આ બાબતે જાણ કરી હતી. પિતાની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ચૂંટણી લડી શકે તેવી સ્થિતિમાં ન હોવાનુ જણાવ્યુ છે. રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. થોડીવાર પહેલા પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ જે બાદ તુરંત રોહન ગુપ્તાએ પણ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.
લોકસભાની ઉમેદવારી પરત ખેંચી
અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મારાત પિતાની અત્યંત ગંભીર સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસમર્થ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદાવારને પંસદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ.
કોગ્રેસે જાહેર કર્યા હતા 7 ઉમેદવાર
ઉલ્લેખનીય છે કે, 12 માર્ચે કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 7 ઉમેદવારની યાદી જાહેર કરી છે, જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્વિમથી ભરત મકવાણા અને કચ્છથી નિતેષ લાલનને ટિકિટ અપાઈ છે.
ચૂંટણી લડવા અસક્ષમ
તેમણે સોશિયલ મીડિયા ટવિટર પર ચૂંટણી લડવા માટે અસક્ષમ હોવાનુ જણાવ્યુ છે. રોહન ગુપ્તાએ જણાવ્યુ છે કે પિતાની અત્યંત કથળેલા સ્વાસ્થ્યને કારણે તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી તેમની ઉમેદવારી પરત ખેંચે છે અને આ સ્થિતિમાં નૈતિક રીતે તેઓ આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ હોવાનુ જણાવ્યુ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટી એ બેઠક પરથી જે કોઈપણ ઉમેદવાર જાહેર કરશે તેમને તેનું સંપૂર્ણ સમર્થન રહેશે.
રાષ્ટ્રીય કક્ષાના હતા પ્રવકતા
20 જૂન 2022ના રોજ રોહન ગુપ્તાને રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. જો કે, આ પહેલાં તેઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે કાર્યરત હતા.
અમિત નાયકે દર્શાવી તૈયારી
કોગ્રેસ પ્રવકતા અમિત નાયકે લોકસભા પૂર્વમાંથી ચૂંટણી લડવાને લઈ તૈયારી દર્શાવી છે,તેમનું કહેવુ છે કે કોગ્રેસ પક્ષ ટિકિટ આપશે તો હું તાકાત સાથે ચૂંટણી લડીશ.
અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા હતો નવો ચહેરો
કોંગ્રેસે કચ્છ, અમદાવાદ વેસ્ટ અને બારડોલીમાં એવા ચહેરાને મેદાને ઉતાર્યા છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. કચ્છ બેઠક પરથી નિતેષ લાલનને ટિકિટ મળી છે. નિતેષ લાલન પૂર્વ કચ્છ યુવા કોંગ્રેસના પ્રમુખ છે અને યુવા ચહેરો છે. અમદાવાદ વેસ્ટથી જેને ટિકિટ મળી છે તે ભરત મકવાણાના પિતા યોગેન્દ્ર મકવાણા રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી હતા. જ્યારે તેમનાં માતા શાંતાબેન મકવાણા ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂક્યાં છે. બારડોલીના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસી બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ અમરસિંહ ઝેડ. ચૌધરીના પુત્ર છે. તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય અને સુમુલ ડેરીના ડિરેક્ટર પણ છે.

રોહન ગુપ્તાના પિતાનું તમામ હોદ્દા પરથી રાજીનામું
ગુજરાતના પૂર્વ સંસદીય સચિવ અને કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. અમદાવાદ પૂર્વના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ આજે અચાનક રાજીનામું આપી દીધું છે. તેમની તબીયત નાદુરસ્ત હોવાના કારણે રાજીનામું આપ્યુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચીના પદે પણ રહી ચુક્યા હતા.


