ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં પાઠયપુસ્તક આધારિત સહેલાં પ્રશ્નો પૂછવામાં આવતા પરીક્ષાર્થીઓ ખુશખુશાલ
સાવરકુંડલામાં સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલય કેન્દ્રમાં ધોરણ 10ના વિજ્ઞાનના પેપરમાં ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. અહીં બ્લોક સુપરવાઈઝરને શંકા જતા તપાસ કરાઇ હતી. અને ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. ડમી વિદ્યાર્થી સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ધો. ૧૦ની પરીક્ષાનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનાં પ્રશ્ન પેપરમાં પાઠયપુસ્તક આધારીત પ્રશ્ન પેપર ઘણું ‘સરળ રહ્યું હતું. ટુંકા પ્રશ્નોને બદલે ૮થી ૯ આકૃતિઓ પુછવામાં આવતા પરીક્ષાર્થીઓ માટે પ્રશ્ન પેપર વહેલું પુરૂ થઈ ગયું હતું. એમ સીક્યુનાં પ્રશ્નોમાં એકાદ બે પ્રશ્ન ટીવીસ્ટ કરીને પુછવામાં આવ્યા હતાં. જેનાં કારણે એવરેજ વિદ્યાર્થીઓને થોડી મુશ્કેલી પડી હતી. આ સિવાય તમામ પ્રશ્નો સહેલાં પુછવામાં આવતા પરીક્ષાર્થીઓને રાહત થઈ હતી.
બપોરનાં સત્રમાં ધો. ૧૨નાં સામાન્ય પ્રવાહમાં વાણીજય વ્યવસ્થા અને વિજ્ઞાન પ્રવાહમાં વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. આ બન્ને પ્રશ્ન પેપરો પણ પ્રમાણમાં સહેલાં પુછવામાં આવ્યા હતાં. તેથી પરીક્ષાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતાં. ઉનાળાનાં આકરા તાપની વ્યાપક અસર આજે પરીક્ષાર્થીઓ ઉપર જોવા મળી હતી. સાવરકુંડલાનાં જેસર રોડ ઉપર વેલા સ્વામીનારાયણ ગુરૂકુળ પરીક્ષા કેન્દ્રમાં બ્લોક સુપરવાઈઝરને વિદ્યાર્થીની શંકાસ્પદ હિલચાલનાં આધારે તેઓએ સરકારી પ્રતિનિધિને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં તુરત કાર્યવાહી હાથ ધરવામાં આવતા સાવરકુંડલાનાં જીરા ગામનાં વિદ્યાર્થી વિશાલભાઈ ભુરાભાઈ મહીડાને બદલે તેની જગ્યાએ ડમી ઉમેદવાર પ્રિન્સ હાદાભાઈ ચોપડા પરીક્ષા આપી રહ્યો હોવાનું બહાર આવતા ત્વરીત આ અંગે બોર્ડને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે ધો.૧૨ સાયન્સનાં ગણિતનાં પેપર સાથે સાયન્સનાં મુખ્ય વિષયનાં પેપરો પુરા થઈ ગયા હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું.


