- સ્ટોર રૂમમાં મૂકેલા કાર્ડબોર્ડની નીચે સંતાઈને બચાવ્યો જીવ
- અમે જ્યાં છુપાયા હતા ત્યાં અન્ય 20-25 લોકો પણ હતા: દંપતી
- 9 મહિનાના બાળક સહિત 8 લોકો થયા હતા ઘટનામાં ઘાયલ
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલ વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં આજે શનિવારે 13 એપ્રિલના રોજ બનેલી ચાકૂબાજીની ઘટનાથી સૌકોઈ આતંકિત છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 9 મહિનાના બાળક સહિત અનેક લોકો ઘાયલ થયા છે. જોકે, એક મહિલા પોલીસ કર્મીએ હુમલાખોરને ઠાર માર્યો હતો. હુમલાખોરે આ ઘટનાને કયા કારણોસર અંજામ આપી તે હજુ સ્પષ્ટ થયું નથી. જ્યારે મોલમાં આ હુમલો થયો ત્યારે એક ભારતીય કપલ પણ ત્યાં હાજર હતું. આ ઘટનાની ભયાનકતા વર્ણવતા ભારતીય દંપતીએ કહ્યું કે જ્યારે ચાકૂબાજીની ઘટના બની ત્યારે તેઓએ કાર્ડબોર્ડમાં સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો.
ખતરનાક દ્રશ્ય હતું: ભારતીય દંપતીની આપવીતી
ભારતીય દંપતી શોઈ ઘોષાલ અને દેબાશિષ ચક્રવર્તીએ જણાવ્યું કે જ્યારે મોલમાં હુમલો થયો ત્યારે તેઓ વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાં હતા. અમે લોકોને ભાગતા જોયા. શરૂઆતમાં અમને લાગ્યું કે આગ લાગી છે, પરંતુ બાદમાં અમે લોકોને એવું કહેતા સાંભળ્યા કે કોઈ ત્યાં લોકોને ચાકુ મારી રહ્યું છે. ત્યારબાદ, અમે ત્યાં સ્ટોર રૂમમાં રાખેલા કાર્ડબોર્ડમાં સંતાઈ ગયા અને અમારો જીવ બચાવ્યો. તે સમયે ત્યાં 20 થી 25 લોકો સંતાયેલા હતા. ઘોષાલે જણાવ્યું કે તે દરમિયાન લોકો ખૂબ જ ડરી ગયા હતા અને રડી રહ્યા હતા. બાદમાં, લોકોએ પોલીસને ફોન કરીને પરિસ્થિતિની જાણકારી આપી. બાદમાં, તે લોકોને મોલના ઇમરજન્સી એક્ઝિટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
શોઈ ઘોષાલે ઘટનાને લઈને જણાવ્યું, ‘તે ખૂબ જ ભયાનક દ્રશ્ય હતું. જ્યારે તમારા દિમાગમાં આવે છે કે તમે પીડિતોમાંના એક હોય શકો છો. અમે આભારી અને ખુશ છીએ કે અમે સુરક્ષિત છીએ. હુમલાનો ભોગ બનેલા લોકો પ્રત્યે અમારી સંવેદના. આ તેમના પરિવારો માટે હૃદયદ્રાવક છે.
હુમલામાં છ લોકોના મોત થયા હતા
પોલીસે જણાવ્યું કે આ હુમલામાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. જેમાં 4 મહિલા અને 1 પુરૂષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પાંચમી મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અહેવાલો અનુસાર, 9 મહિનાના બાળક સહિત 8 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમણે સિડનીની આસપાસની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે.


