શક્તિસિંહ સહિત કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાજતે-ગાજતે ઉમેદવારી પત્ર ભર્યું
પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યુ, પતિ-પત્નિ છે 3.34 કરોડના આસામી
પરેશ ધાનાણીના નામે 2 કરોડ ૭૬ લાખ ૧૬ હજાર : પત્ની વર્ષાબેનના નામે ૫૮ લાખથી વધુ સ્થાવર-જંગમ મિલકત
સમગ્ર ગુજરાતના રાજકારણની નજર જેના પર મંડાયેલી છે તેવી રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના લડાયક ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભર્યુ હતુ. આ સાથે નિયમ મુજબ તેમણે સોગંદનામામાં તેમની સંપતી, આવક, લેણુ-દેવુ, સ્થાવર અને જંગમ મિલકત, પોલીસ કેસ રેકોર્ડ સહિતની વિગતો પણ જાહેર કરી હતી. ડેકલેરેશનમાં આપેલી વિગત મુજબ પરેશ ધાનાણી અને તેમના પત્ની વર્ષાબેનની સયુંક્ત સંપતી જોઇએ તો સ્થાવર અને જંગમ મિલકત સહિત રૂ.3 કરોડ અને 3૪ લાખથી વધુ છે. તેમા પરેશભાઇના નામે ૯ કરોડ ૭૬ લાખ ૧૬ હજાર જ્યારે પત્ની વર્ષાબેનના નામે ૫૮ લાખથી વધુ સ્થાવર-જંગમ મિલકત છે. પરેશ ધાનાણીની વાર્ષિક આવક ૧૨ લાખ ૬૯ હજાર જ્યારે પત્નીની વર્ષાબેનની વાર્ષિક આવક ૪ લાખ ૪૯ હજાર છે. આવકના સોર્સમાં પરેશભાઇ ખાતેદાર હોય અમરેલી જિલ્લામાં ખેતીની જમીન હોય ખેતી ઉપાર્જન દેખાડવામા આવ્યુ છે. જ્યારે પત્ની વર્ષાબેને આવકના સોર્સમાં ટ્યુશન કોચીંગ ચલાવતા હોય તે દર્શાવી છે.
પરેશભાઇ પાસે હાથ પર ૧.૪૦ લાખ, પત્ની પાસે ૧.૫૬ લાખ રોકડાં
પરેશભાઇ ધાનાણી પાસે ખેતીની જમીન, જવેરાત, બેંકમાં થાપણ ઉપરાંત હાથ પર ૧ લાખ ૪૦ હજાર રોકડાં છે. જ્યારે પત્ની વર્ષાબેન પાસે ૧ લાખ ૫૬ હજાર હાથ પર કેસ છે. એસબીઆઇ અને બેંક ઓફ ઇન્ડિયામાં બન્નેએ થાપણમાં રોકાણ પણ કર્યુ હોવાનું સોગંદનામામાં દર્શાવ્યુ છે.
અમરેલીના ચાંચાઇ, ધારીમાં ખેતીની જમીન
પરેશ ધાનાણી ખેડૂત ખાતેદાર છે. તેમની પાસે અમરેલી જિલ્લાના ચાંચાઇ, ધારી, ચાંદગઢમાં ખેતીની જમીન છે. તેમા થતી ખેત પેદાશ આવકનો સોર્સ દર્શાવવામા આવ્યો છે. અન્ય મિલકતમાં અમરેલીમાં રહેણાંક મકાન તેમજ ગાંધીનગરમાં એક પ્લોટ ખરીદ કર્યો છે.


