ક્ષત્રિય સમાજ સાથેના રૂપાલાના વિવાદનું એપી સેન્ટર રાજકોટ બેઠક પર હવે સમગ્ર ગુજરાતની નજર
ક્ષત્રિય સમાજના રોષનું એપીસેન્ટર રાજકોટ બેઠક પર સમગ્ર ગુજરાતના રાજકારણનું ધ્યાન કેન્દ્રિત થયેલુ છે. ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ઉમેદવારી અંગે ફોર્મ ભરવાની છેલ્લી મુદત સુધી અટકળોનો દોર ચાલ્યો અને એ વચ્ચે પણ રૂપાલાએ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યુ. તો બીજીબાજુ રૂપાલાને બરોબરની ટક્કર આપી શકે તેવા કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ ગઇકાલે ફોર્મ ભર્યુ હતુ. આજથી ફોર્મ ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. રૂપાલા અને ધાનાણી બન્નેના ફોર્મ માન્ય રહ્યા છે. એટલે હવે એ સ્પષ્ટ થઇ ગયુ છે કે રાજકોટ બેઠક પર બે બળુકા નેતા રૂપાલા અને ધાનાણી વચ્ચે જંગ હવે ફાઇનલ થઇ ગયો છે.
ક્ષત્રિય સમાજના વિવાદને લઇને પરસોતમ રૂપાલાની ઉમેદવારી અંગે છેવટ સુધી અનિશ્ચિતતાનો દોર ચાલતો રહ્યો હતો. રૂપાલા પાર્ટીને ડેમેજ થતા અટકાવવા સામેથી જ હટી જશે તેવી પણ અટકળો ચાલી. ફોર્મ ભરવાની આખરી મુદત પહેલાની મોડી રાત સુધી ક્ષત્રિય સમાજની કોર કમિટી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીની મિટીંગ પણ થઇ હતી. રૂપાલા બાબતે હાઇકમાન્ડ પર નિર્ણય છોડવામા આવ્યો છે તેવુ મુખ્યમંત્રીએ સરકાર તરફથી ક્ષત્રિય કોર કમિટીને જણાવવામા આવ્યુ હતુ. જો કે બીજા જ દિવસે રૂપાલાએ વાજતેગાજતે અને જંગી રોડ-શો, સભા અને રેલી સાથે ફોર્મ ભરી દીધુ ત્યારથી અને કેન્દ્રિય ગૃહમંત્રીએ પણ રૂપાલા ફાઇનલ જ રહેશે તેવુ નિવેદન આપતા તમામ અટકળો પર પુર્ણ વિરામ આવી ગયુ હતુ.
દરમિયાન ગઇકાલે કોંગ્રેસના લડાયક નેતા પરેશ ધાનાણીએ પણ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યુ હતુ. આજથી ફોર્મ ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. રૂપાલા અને ધાનાણી બન્નેના ફોર્મ મંજૂર થઇ ગયા છે. એટલે હવે એ સત પ્રતિસદ ફાઇનલ ફાઇનલ થઇ ગયુ છે કે રાજકોટમાં રૂપાલા અને ધાનાણી વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ થવાનો છે. અને ક્ષત્રિયો સાથેના રૂપાલાના વિવાદનું એપી સેન્ટર રાજકોટ બેઠક પર સમગ્ર ગુજરાતના રાજકારણની નજર રહેવાની છે.
ડમી ઉમેદવારોનો છેદ આપોઆપ ઉડી ગયો
નિયમ મુજબ કોઇ પણ ઉમેદવારે જો તેમનુ ફોર્મ ટેકનીકલ કારણોસર રદ થાય તો બેઠક બીનહરીફ ન થાય એ માટે એક ડમી ઉમેદવાર રાખે છે અને આ ડમી ઉમેદવાર પણ તેના અન્ય ડમી ઉમેદવાર રાખે છે. અહીં પરસોતમ રૂપાલાના ડમી ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારિયા અને પરેશ ધાનાણીના ડમી ઉમેદવાર ડો.હેમાંગ વસાવડા હતા. મુખ્ય ઉમેદવાર પરસોતમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવારોનો છેદ આપોઆપ ઉડી ગયો છે.


