- જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સંસદીય સીટ પર મતદાન સ્થગિત
- અનંતનાગ બેઠકમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થવાનું હતું
- બેઠક પર 7 મેના રોજ મતદાન મોકૂફ રાખવા ચૂંટણી પંચને વિનંતી કરી હતી
લોકસભા ચૂંટણી 2024નું બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે આગામી 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સંસદીય સીટ પર મતદાન સ્થગિત કરવામાં આવી છે. આ બેઠક પર ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થવાનું હતું,
મતદાન મોકૂફ રાખવા ચૂંટણી પંચને વિનંતી કરી
પરંતુ, હવે અનંતનાગ બેઠકર પર છઠ્ઠા તબક્કામાં 25મી મેના રોજ મતદાન થશે. જમ્મુ અને કાશ્મીરની પીપલ્સ કોન્ફરન્સ, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી – DPAP અને ભાજપે કાશ્મીર ખીણની આ બેઠક પર 7 મેના રોજ મતદાન મોકૂફ રાખવા માટે ચૂંટણી પંચને વિનંતી કરી હતી.
આ કારણો સર ચૂંટણી પંચને મતદાન મોકૂફ રાખવા રજૂઆત કરાઈ
આ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને કહ્યું હતું કે, તાજેતરની હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે અનંતનાગ અને રાજૌરીને જોડતો મુગલ રોડ બ્લોક થઈ ગયો છે, જેના કારણે ચૂંટણી પ્રચાર પર અસર પડી રહી છે.
અનંતનાગ બેઠક માટે 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
તે સાથે જ નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ આ દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, રસ્તો ખુલ્લો છે અને અનંતનાગથી રાજૌરી સુધીની મુસાફરી શક્ય છે. પંચે કહ્યું કે, માત્ર અનંતનાગ સંસદીય મતવિસ્તાર માટે મતદાનની તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે. નોમિનેશન ભરવા, ચકાસણી અને પરત ખેંચવા સહિતની તમામ વૈધાનિક પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક માટે 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાનની તારીખ સિવાય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાજપે આ બેઠક પર કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નથી, અને પ્રોક્સી ઉમેદવારને સમર્થન આપે તેવી શક્યતા છે.
જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીનો કોઈ ઉમેદવાર નથી
જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સે પણ અનંતનાગ સીટ પરથી કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નથી. સૂત્રોનું માનીએ તો ભાજપ અને જેકેપીસી ‘અપની પાર્ટી’ના ઉમેદવાર ઝફર મિન્હાસને સમર્થન આપી શકે છે. હવે મુખ્ય મુકાબલો પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર મિયાં અલ્તાફ અહેમદ વચ્ચે થવાની શક્યતા છે. અલ્તાફ આદિવાસી નેતા છે. તેમનો પરિવાર રાજકારણમાં સક્રિય છે અને એક યા બીજા સભ્ય 1967 થી નવ વિધાનસભા ચૂંટણી જીત્યા છે.


