- ભાજપે ઈફ્કોની ચૂંટણીમાં બિપીન ગોતાને આપ્યું છે મેન્ડેટ
- જયેશ રાદડિયા અને પંકજ પટેલની મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી
- પાર્ટીના મેન્ડેટ સામે 2 સહકારી નેતાઓનો બળવો
આગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ દ્વારા અમદાવાદ ગોતા વિસ્તારના બીપીન નારણભાઈ પટેલના (બિપિન ગોતા) નામનો મેન્ડેટ જારી કરાયો છે. હવે મુદ્દો એ છે કે, ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં બે સીટ હોય છે. આ સીટ માટે છેલ્લા ચાર દિવસ ફોર્મ ભરાયા છે. દિલીપ સંઘાણી ઉપરાંત જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું છે.બિપીન પટેલે ભાજપે મેન્ટેડ મોકલ્યું છે, તેથી તેમણે પણ ઉમેદવારી નોંધાવી છે. તો હવે મોડાસાના પંકજ પટેલ અને માણાવદરના વિજય દેવજીભાઈ ઝાટકીએ પણ ઉમેદવારી નોંધાવી છે. આમ, એક જ જગ્યા માટે ચાર ઉમેદવારો આવ્યા છે.
આજે ફોર્મ પરત ખેંચવાનો હતો અંતિમ દિવસ
ઈફ્કોમા એક બેઠક માટે ચાર ઉમેદવારો આવતા ચૂંટણી રસાકસીભરી બની રહેશે. હવે મુદ્દો એ છે કે, ચાલુ ટર્મમાં પણ રાદડીયા ઈફ્કોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે દિલિપ સંઘાણી ચેરમેન પદે છે. ઈફ્કોની ગવર્નીંગ બોડીમાં એક સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલીગેટસ તેના મતદારો હોય છે.ચાર ફોર્મ જેણે ભર્યા છે તેમની વાત કરીએ તો જયેશ રાદડિયા,બિપીન પટેલ,મોડાસાના પંકજ પટેલ,માણાવદરના વિજય દેવજીભાઈ ઝાટકી છે.
રાદડિયા જેતપુરના ધારાસભ્ય છે
ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાઈ છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. ત્યારે હવે ગુજરાતમાંથી વધુ એક ઉમેદવારી જતા મામલો પેચીદો બન્યો છે. હવે આ મામલે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ જોવા મળ્યો છે. હવે આગામી દિવસમાં જ ખુલાસો થશે કે રાદડિયા ફોર્મ પરત ખેંચે છે કે નહીં.જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રમાં લોકપ્રિય નેતા છે. જયેશ રાદડિયા હાલ જેતપુરના ધારાસભ્ય છે. તેમને ગુજરાતના મંત્રીમંડળમાંથી પણ તેમની બાદબાકી કરાઈ છે.
રાદડિયા સીટ મેળવવા તલપાપડ છે
બિપિન પટેલ અને જયેશ રાદડિયા બંને સહકારી આગેવાનો છે. રાદડિયા ગત ચૂંટણીમાં ઈફ્કોમાં બિનહરિફ ચૂંટાયા હતા. રાદડિયાએ ફોર્મ ભરી લેતાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાદડિયા ભાજપના મેન્ડેટનો અનાદર કરીને પણ ચૂંટણી લડી શકે છે. ઈફ્કોની ચૂંટણી 9મી મેના રોજ છે અને લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ છે, સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની જરૂર જ નથી હોતી પણ હવે ભાજપ મેન્ડેટ જાહેર કરે છે. ભાજપે ઈફ્કો માટેનો મેન્ડેટ બિપિન પટેલને જાહેર કર્યો છે. આ સ્પષ્ટ છે કે રાદડિયાને સાઈડલાઈન કરાયા છે પણ જયેશ રાદડિયા ઝૂકવાના મૂડમાં જરા પણ નથી.


