- ક્ષત્રિયોનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર જાણો શુ છે સ્થિતિ
- ખેડા લોકસભા બેઠકમાં અમદાવાદ જિલ્લાના બે વિસ્તારનો પણ સમાવેશ
- આઝાદી બાદથી કોંગ્રેસનો ગઢ મનાતા ખેડા લોકસભા બેઠકનું 2014 માં ચિત્ર બદલાયું
ખેડા જિલ્લો તમાકુની ખેતી માટે જાણીતો છે. જ્યારે ખેડા લોકસભા બેઠકમાં અમદાવાદ જિલ્લાના બે વિસ્તારનો પણ સમાવેશ થાય છે. ખેડા લોકસભા બેઠક જેમાં ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. આ બેઠક આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. પણ 2014માં મોદી લહેરમાં અહીં ભગવો લહેરાયો. અને સતત બે ટર્મથી દેવુસિંહ ચૌહાણ ચૂંટણી જીતતા આવ્યા છે. અને ફરી એકવાર ભાજપે દેવુસિંહ ચૌહાણ પર વિશ્વાસ મુકીને 2024માં ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે કપડવંજના ધારાસભ્ય રહી ચૂકેલા કાળુસિંહ ડાભીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.
ખેડા લોકસભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે
57-દસક્રોઈ
58-ધોળકા
115-માતર
116-નડિયાદ
117-મહેમદાવાદ
118-મહુધા
120-કપડવંજ
ખેડા લોકસભા બેઠક જાતિગત સમીકરણ શું ?
ખેડા લોકસભા બેઠકમાં માતર, નડીયાદ, મહેમદાવાદ અને કપડવંજ તેમજ ધોળકા અને દસક્રોઈ મળીને 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્ઞાતિના સમીકરણ પર નજર કરીએ તો આ બેઠકમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે. અહીં ક્ષત્રિય મતદારોની સંખ્યા 19 લાખ 91 હજાર છે. આ જ કારણ છે કે અહીં 8 વખત ક્ષત્રિય ઉમેદવાર ચૂંટણી જીતીને આવ્યા છે. ક્ષત્રિયોના મતદારો 41 ટકા, પટેલ સમાજના 16 ટકા મતદારો છે. તો મુસ્લિમ મતદારો 11.50 ટકા છે. દલિત મતદાર 7.60 ટકા, અન્ય મતદારો 14.20 ટકા, સવર્ણો 9.70 ટકા અને આદિવાસી મતદાર 0.25 ટકા છે.
ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ
વર્ષ 2014માં ખેડા લોકસભા બેઠક પર પ્રથમ વખત કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલને હરાવી દેવુસિંહ ચૌહાણે વિજય મેળવ્યો હતો. ત્યારબાદની 2019 ચૂંટણીમાં પણ ભાજપે દેવુસિંહ પર વિશ્વાસ મૂકી તેમને રીપીટ કરતા વધારે સરસાઈથી જીત મેળવી હતી.
ફરી એક વખત ભાજપ દ્વારા દેવુસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે.
ફરી એક વખત ભાજપ દ્વારા દેવુસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ વર્ષ 2007 અને 2012 એમ બે ટર્મથી વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2019 માં તેમને કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન બનાવાયા છે. દેવુસિંહ ચૌહાણ સતત 2 ટર્મથી ખેડા લોકસભા બેઠક પર જીતી રહ્યા છે. તેઓ ક્ષત્રિય ઉમેદવાર છે તેમજ જનતા વચ્ચે તેમની બહોળી લોકપ્રિયતા પણ જોવા મળી રહી છે. જનતાની વચ્ચે રહી કામ કરવા માટે દેવુસિંહ જાણીતા છે.
કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભી
ખેડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભી ચૂંટણી લડશે. તેઓ વર્ષ 2017 માં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2022માં રાજેશ ઝાલા સામે તેમનો પરાજય થયો હતો.

કાળુસિંહ ડાભીએ સરપંચ પદથી શરૂઆત કર્યા બાદ ધારાસભ્ય સુધી સફર ખેડી છે.
કાળુસિંહ ડાભીએ સરપંચ પદથી શરૂઆત કર્યા બાદ ધારાસભ્ય સુધી સફર ખેડી છે. હવે ખેડા લોકસભામાં સાંસદ સભ્ય માટે કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કાળુસિંહ ડાભીએ જવાબદારી નિભાવી છે. વર્ષ 1985થી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા બાદ સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ત્યારબાદ બે વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. જેમાં એક વખત જીત મળી તો એક વખત હાર મળી હતી.


