- વારંવારની રજૂઆત છતાં ઉકેલ નહીં આવતાં મહિલાઓ વીફરી
- ગ્રામ પંચાયતને તાળાં લાગેલાં હોવાથી તાલુકા પંચાયત ધસી જઈ મહિલાઓએ રજૂઆત કરી
- પંચાયતના ગેટ આગળ માટલાં ફેડીને પંચાયતના વહીવટી કર્તાઓ સામે ભારે વિરોધ પ્રદર્શન કરીને રોષ પ્રગટ કર્યો
વડગામ તાલુકા મથકે આવેલી ગ્રામ પંચાયત દિવસેને દિવસે વિવાદોમાં આવી રહી છે.આંબેડકર વિસ્તારની ગૃહિણીઓ પાણી ન મળવાના મુદ્દે ગ્રામપંચાયત ખાતે આવી હતી પરંતુ ગ્રામ પંચાયતને ખંભાતી તાળા લાગેલા હોવાથી પંચાયતના ગેટ આગળ માટલાં ફેડીને પંચાયતના વહીવટી કર્તાઓ સામે ભારે વિરોધ પ્રદર્શન કરીને રોષ પ્રગટ કર્યો હતો.
વડગામના આંબેડકર નગર પરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી આવતું ન હોવાથી રહિશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.અવાર નવાર પંચાયતના સત્તાધીશો ને પાણી બાબતે રજૂઆત કરવા છતાં પંચાયતના વહીવટી કર્તાઓ લોકોની સમસ્યાઓ બાબતે આંખ આડા કાન કરતા રહ્યા હોવાના આક્ષેપ રહિશો દ્વારા કરાઇ રહ્યા છે.ના છુટકે સોમવારના સવારે આંબેડકરની ગૃહિણીઓ વિફ્રી હતી અને હાથ માટલાં સાથે ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચી હતી.પરંતુ પંચાયતને ખંભાતી તાળાં લાગેલા હોવાથી દરવાજા આગળ જ માટલાં ફેડીને તાલુકા પંચાયત ખાતે રજૂઆત માટે દોડી ગઇ હતી.પરંતુ ચુંટણીનો સમય હોવાથી અધિકારી પણ મળી શક્યા ન હતા.તાલુકા પંચાયત ખાતે ભારે વિરોધ કરીને પંચાયતના વહીવટી કર્તાઓ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.
તકરાર થતાં સરપંચ ફરાર હોવાની ચર્ચા
બે દિવસ પહેલાં જ આંબેડકર નગરના મહિલા સભ્યના પરીવારજનો સાથે સરપંચ દ્વારા મારામારી કરાઇ હોવાની ફ્રીયાદ વડગામ પોલીસ મથકે નોંધાવા પામી છે.જેને લઇને સરપંચ ફ્રાર હોવાની ચર્ચાઓ વડગામના લોકોમાં થઈ રહી હતી.
લારીઓ કે ટેન્કરમાં પાણી લાવવા મજબૂર
છેલ્લા દસ દિવસથી પીવાનું પાણી આવતું ન હોવાથી લોકોને ખેતરે ખેતરે ભટકવું પડતું હોવાનું તેમજ લારીઓમાં અને ટેન્કર દ્વારા પાણી લાવવાની ફ્રજ પડી રહી હોવાનું મહિલાએ જણાવ્યું હતું.
નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના સ્થાનિકોના આરોપ
વડગામમાં નલ સે જલ યોજના હેઠળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.છતા પણ લોકોને પાણી માટે વલખાં મારવાં પડી રહ્યા છે.નલ સે જલ યોજનામાં ભારે ભષ્ટ્રાચાર કરાયો હોવાની રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં પાણી પુરવઠા દ્વારા ગોદડી ગોઠે વાળી દેવાઇ હોવાની ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે


