- જેતપુરમાં મડિકલ સ્ટોરમાં યુવક પર હુમલો
- ઉંઘની દવા માટે પ્રિસ્ક્રીપ્શન માગતા 2 શખ્સોએ કર્યો હુમલો
- સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી
રાજકોટના જેતપુરમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. જેતપુરમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવાન પર દુકાનમાં ઘૂસીને બે થી ત્રણ શખ્સોએ ઉગ્ર બોલાચાલી બાદ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
મળતી માહિતી મુજબ, જેતપુરમાં મેડિકલ સ્ટોરમાં ઘૂસીને બે થી ત્રણ શખ્સોએ ઉગ્ર બોલાચાલી બાદ હુમલો કર્યો હતો. નશામાં ધૂત શખ્સે પ્રિસ્ક્રીપ્શન વગર ઉંઘની દવા આપવી જ પડશે તેમ જણાવીને અભદ્ર વાળી દ્વારા મારપીટ કરી હતી. જોકે મડિકલ સ્ટોરમાં દવા ન આપતા ઉગ્ર માથાકૂટ કરી હતી. જોકે યુવાન મીત ચાંદનાણી મક્કમ રહેતા દવા લેવા આવનાર શખ્સ સાથે અન્ય શખ્સોએ જબરદસ્તી કરીને મેડિકલમાં ઘસીને યુવાન પર હુમલો કર્યો હતો.
સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બે થી ત્રણ શખ્સોએ મેડિકલ સ્ટોર સંચાલકની હાજરીમાં દુકાનમાં કામ કરનાર યુવાનને ઢીકા પાટુનો મારમારી માથામાં કાચની બોટલ વડે યુવાન પર હુમલો કર્યો હતો. યુવાન પર હુમલા બાદ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.


