સતત થતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મૌસમનું ઋતુચક્ર બગડયું : કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાયુ
રાજકોટ સહિત રાજયભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે લોકો સતત શેકાઇ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા મિશ્ર આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલથી તા.૧૪મી સુધી રાજયભરમાં માવઠું રહેશે અને ત્યારબાદ ફરી ગરમીનું તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રોફ સાયકલોનિક સર્કયુલેશન સહિતની સિસ્ટમો સક્રિય થતાં ઋતુ ચક્રમાં સતત ફેરફાર થઇ રહ્યો છે અને કાળઝાળ ગરમીમાં પણ રાજયમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ ઉનાળુ અને ચોમાસુ બંને ઋતુના એક સાથે અનુભવ કરશે તેવું હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે.
ગુજરાત અને પડોશી રાજ્યોમાં ઉભી થયેલી સીસ્ટમમાં ઉત્તર-પૂર્વ રાજસ્થાન ઉપર સવારે હવાની ચક્રાકાર ગતિ છે, આ જ સીસ્ટમ મધ્ય મહારાષ્ટ્રમાં છે, તેમજ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને તેની સાથેના ગુજરાતના કાંઠા ઉપર પણ સવારનું સાયકલોનિક સર્ક્યુલેશન છે, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન ઉપર પણ આ સીસ્ટમ છે તો તેના પગલે રાજસ્થાનથી પશ્ચિમ વિદર્ભ સુધી ટ્રોફ સર્જાયેલ છે.
સમગ્ર દેશમાં પણ આવું હવામાન સર્જાયું છે જેના પગલે ગાજવીજ સાથે હરવા ફરવાના સ્થળો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં તીવ્ર પવન, ગાજવીજ સાથે માવઠાંની, રાજસ્થાન, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, પંજાબમાં વરસાદની, રાજસ્થાન સહિતના સ્થળે ધૂળિયા તોફાનની આગાહી કરાઈ છે. આમ, સમગ્ર દેશનું હવામાન પલટાયું છે.
અને કર્ણાટક, કેરલ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ વગેરે સ્થળે તો તા. ૧૧થી ૧૫ સુધી વ્યાપક વરસાદની આગાહી થઈ છે. માવઠાંની આગાહી સાથે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી અકળાવી દે તેવી ગરમી રહેવાની પણ આગાહી છે. ગઇકાલે રાજ્યમાં સર્વાધિક તાપમાન અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ૪૩, રાજકોટમં ૪૨ સે., ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, વડોદરા, ભૂજ, અમરેલી સહિતના સ્થળે પણ તાપમાન ૪૦થી ૪૨ સે. વચ્ચે રહ્યું હતું અને તીવ્ર ગરમી અનુભવાઈ હતી.


