- કોપરણી જતી રિક્ષાને સામેથી આવતી કારે ટક્કર મારી
- મૃતક યુવતીના પિતાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ
- 19 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના કોપરણી ગામ તરફ રિક્ષા ચાલક રિક્ષા લઈને જતો હતો. ત્યારે કુડા રોડ પર આદર્શ નિવાસી શાળા પાસે સામેથી આવતી કારના ચાલકે રિક્ષા સાથે અકસ્માત કર્યો હતો. જેમાં રિક્ષા ચાલક સહિત ચારને ઈજા પહોંચી હતી. આ બનાવમાં 19 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવની મૃતકના પિતાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ પાટડી-જૈનાબાદ રોડ પર અકસ્માતમાં એકનું મોત થયુ હતુ. ત્યારે ધ્રાંગધ્રાના કુડા રોડ પર અકસ્માતમાં એક યુવતીનું મોત થયુ છે. બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કોપરણી ગામે રહેતા 44 વર્ષીય બાબુભાઈ ખેતાભાઈ પરમાર તા. 7મીએ સવારે તેમની 19 વર્ષીય દિકરી કિંજલ સાથે ધ્રાંગધ્રા ખરીદી કરવા આવ્યા હતા. બપોરના સમયે ખરીદી કરી તેઓ કોપરણીના જ ચમનભાઈ રામજીભાઈ પરમારની રિક્ષામાં પરત કોપરણી જતા હતા. આ સમયે તેમની સાથે રિક્ષામાં ગામના રૂખીબેન અવસરભાઈ પણ હતા. ત્યારે કુડા રોડ પર આદર્શ નિવાસી શાળા પાસે સામેથી આવતી કારે રિક્ષા સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બાબુભાઈ, ચમનભાઈ, કિંજલબેન અને રૂખીબેનને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. જયાં કિંજલબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થવાથી મોત થયુ હતુ. આ બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે બાબુભાઈ પરમારે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી વી. જી. પરમાર ચલાવી રહ્યા છે.


