- ધો.12 સાયન્સનું રિઝલ્ટ મોડું આવતાં પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર
- નવા કાર્યક્રમ મુજબ 7મી જૂન પ્રોવિઝનલ જ્યારે 13 જુને ફાઇનલ મેરિટ જાહેર થશે
- નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ 20ના બદલે 25મી જૂન-2024થી થશે
ધોરણ.12 સાયન્સની બોર્ડ પરીક્ષાનું પરિણામ ધાર્યા કરતાં થોડુ મોડું જાહેર થતાં ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટેના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડયો છે. જૂના કાર્યક્રમ મુજબ ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત આવતીકાલે 15મી મેના રોજ પૂર્ણ થતી હતી જે લંબાવીને 25મી મે કરવામાં આવી છે. જોકે અત્યાર સુધીમાં 37,510 વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 26,657 જેટલા વિદ્યાર્થીઓએ તમામ પ્રક્રારની કાર્યવાહી પૂર્ણ કરી છે. નવા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ પ્રોવિઝનલ મેરિટ 28મી મેના બદલે 7મી જૂનના રોજ જ્યારે ફાઇનલ મેરિટ 5 જૂનના બદલે 13 જૂનના રોજ જાહેર થશે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ 20ના બદલે 25મી જૂન-2024થી થશે.
શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ધોરણ.10 અને 12 સાયન્સનું પરિણામ વહેલું જાહેર કરવાનું આયોજન કરાયું હતું, જેના પગલે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા ડિગ્રી ઇજનેરીની અંદાજે 64 હજારથી વધુ બેઠક જ્યારે ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસીની અંદાજે 8,500 જેટલી બેઠકમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ ગત તા.27મી માર્ચના રોજ જાહેર કરાયો હતો, પરંતુ બોર્ડનું પરિણામ ચૂંટણીના લીધે મોડું જાહેર થતાં ડિગ્રી ઈજનેરીના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.
ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે 2જી એપ્રિલથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જે 15મી મેના રોજ પૂર્ણ થતી હતી. પરંતુ હવે નવા કાર્યક્રમ મુજબ 28મી મે સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. આ સિવાય 7મી જૂનના રોજ પ્રોવિઝનલ મેરિટ અને 13 જૂનના ફાઇનલ મેરીટ જાહેર કરાશે. તા.13 જૂનથી 17 જુન સુધી પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફીલિંગની પ્રક્રિયા હાથ ધરાશે.


