TAT-HS ઉમેદવારોના ન્યાય માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા ગોંડલ મામલતદારને આવેદનપત્ર
પારદર્શક મૂલ્યાંકન, ઉત્તરવહીની નકલ અને રી-એસેસમેન્ટ સહિત પાંચ મુખ્ય માંગણીઓ રજૂ; ગુજરાતભરમાં રજૂઆત અભિયાન
અગ્ર ગુજરાત, ગોંડલ
TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં પ્રવર્તતા અસંતોષ અને મૂલ્યાંકનમાં પારદર્શિતાના અભાવ અંગે હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા ઉમેદવારોના હિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ગોંડલ મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ ઉમેદવારોના પ્રશ્નો રજૂ કરવા અને યોગ્ય ન્યાય અપાવવાની માંગ કરાઈ હતી.
હ્યુમન રાઈટ્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર આયલાણીના માર્ગદર્શન હેઠળ રજૂ કરાયેલા આવેદનપત્રમાં TAT-HS પરીક્ષાના મૂલ્યાંકનમાં પારદર્શિતા જાળવવા અને ઉમેદવારોને ન્યાય મળે તે માટે પેપર-૧ અને પેપર-૨ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે તથા બંને પેપરના કુલ ગુણની સ્પષ્ટ વિગતો આપવામાં આવે. પારદર્શિતા જાળવવા માટે ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે. ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખવામાં આવે અને મૂલ્યાંકનમાં થયેલી સંભવિત ભૂલો સામે યોગ્ય રજૂઆત કરવાની તક આપવામાં આવે. કોઈપણ સંજોગોમાં TAT-HS પરીક્ષા રદ કરવામાં ન આવે; જો કોઈ ક્ષતિ કે અનિયમિતતા જણાય તો તેની નિષ્પક્ષ તપાસ કરી સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવે. ઉમેદવારોના હિતમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને ઉત્તરવહીઓનું રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની પરવાનગી આપવામાં આવે, જેથી સંભવિત ભૂલો સુધારી ઉમેદવારોને યોગ્ય ગુણ મળી શકે. તેવી પાંચ મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશનનું માનવું છે કે પરીક્ષા આપનાર દરેક ઉમેદવારને પારદર્શક મૂલ્યાંકન અને ન્યાય મેળવવાનો અધિકાર છે. ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલા આ મુદ્દે તંત્ર અને પરીક્ષા બોર્ડ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય નિર્ણય લેવાય તે જરૂરી છે. હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા ગુજરાતભરના વિવિધ તાલુકાઓમાં મામલતદારોને આવેદનપત્રો આપી સરકાર અને સંબંધિત વિભાગો સુધી ઉમેદવારોના પ્રશ્નો પહોંચાડવાનું અભિયાન આગળ ધપાવાઈ રહ્યું છે.


