આકરા તાપના કારણે એસી, પંખા, કુલર સતત ચાલુ રહેતા વીજળીનો વપરાશ વધ્યો
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી આકરા તાપ પડી રહ્યા હોવાના કારણે ગરમીથી બચવા માટે લોકો પંખા,એસી તથા એર કુલરનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા હોવાના કારણે દૈનિક વીજ માગ 24,460 મેગાવોટ પહોંચી ગઈ છે જયારે પીજીવીસીએલ ની વીજ માગ 7,700 મેગાવોટને પાર કરી ગઈ છે.
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી આકરા તાપ પડી રહ્યા હોવાના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ધરમાં પણ ગરમીથી બચવા માટે લોકો પંખા,એસી તથા એર કુલરનો વધારેમાં વધારે ઉપયોગ કરી રહ્યા હોવાના કારણે વીજ માગમાં જબ્બર વધારો થયો છે વીજ કંપનીના સુત્રોના જણાવ્યા પ્રમાણે અઠવાડીયા પહેલા રાજયની દૈનિક વીજ માગ 22 હજાર મેગાવોટ હતી જે વધીને 24,460 પહોંચી છે આમ અઠવાડીયાં 2 હજાર મેગાવોટ વીજ માગમાં વધારો થયો છે. આ ઉપરાંત પીજીવીસીએલની દૈનિક વીજ માગ 7,700 મેગાવોટ પહોંચી ગઈ છે.
વીજ કંપનીઓ દ્વારા હાલ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જે સ્માર્ટ મીટર પ્રિપેઇડ આધાર હોય, લોકો દ્વારા જેટલો વીજળીનો વપરાશ કરવામાં આવશે તેટલું રીચાર્જ કરવુ પડશે. આ બાબતે અનેક જગ્યાએ બૂમરાળો ઉઠી છે. સ્માર્ટ મીટર આવવાથી જોઇતા પુરતી જ વીજળીનો વપરાશ થશે અને લોકોને તેનો માર પણ સહન કરવો નહી પડે. પીજીવીસીએલ પાસે પણ પુરતો જથ્થો જળવાઇ રહેશે તેવુ પીજીવીસીએલના સુત્રોએ જણાવ્યું હતું.
રાજકોટની સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવાશે
પીજીવીસીએલ દ્વારા રહેણાંકની સાથે સરકારી કચેરીમાં પણ સ્માર્ટ મીટર લગાવવાના હતા પરતું લોકસભા ચૂંટણીને કારણે સરકારી કચેરીમાં ચૂંટણી કામકાજથી બ્રેક મારવામાં આવી હતી. હવે રાજકોટ શહેરની તમામ સરકારી કચેરીમાં એકાદ સપ્તાહ પછી મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સ્માર્ટ મીટરના પ્રોજેક્ટમાં વધુ બે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર અને વેરાવળમાં પ્રાયોગિક ધોરણે વીજ થાંભલા ઉપર ડી.પી મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. એકાદ-બે દિવસમાં આ બન્ને શહેરોના ગ્રાહકોના ઘરે મીટર લગાવવાનો પ્રારંભ કરવામા આવશે. મે મહિનાના અંત સુધી એટલે કે, એક પખવાડીયામાં ૩૦ હજાર મીટર લગાવી દેવામાં આવશે.


