- વડોદરા શહેરના તરસાલીમાં વૃદ્ધાની લૂંટ કરી હત્યા
- પાડોશમાં રહેતા વિશાલ સરોજ નામના યુવાને કરી હત્યા
- આરોપી તેના મિત્રની મદદથી ભાગી છૂટ્યો હતો
વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 19 મેના વહેલી સવારે લૂંટ વિથ મર્ડરની ઘટનામાં સામે આવી છે. આ ઘટનાને અંજામ આપતા પહેલા લુંટારુએ ઘરની લાઈટ કાપી નાખી હતી. ત્યારબાદ અંધારાનો લાભ લઈને લુંટારુએ વૃદ્ધા પર ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટી લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
લૂંટ વિથ મર્ડરની ઘટનામાં ખુલાસો
ડીસીપી ઝોન 3 લીના પાટીલ જણાવ્યું કે, આજે વહેલી સવારે સુખજીત કૌર નામના 70 વર્ષીય વૃદ્ધાનું લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ કેસમાં વૃદ્ધાની હત્યા તેમના પડોશી વિશાલ સરોજ નામના યુવાને કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી વિશાલ સરોજ મૃતકના બાજુના ઘરમાં જ રહેતો હતો.આરોપી વિશાલ સરોજ તેના સાવકા પિતા સુખવિંદર સોહેલ સાથે રહેતો હતો. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું છે કે આરોપીના સાવકા પિતા ઉપર એક મર્ડર સહિત 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેથી પોલીસે આરોપીના સાવકા પિતાની હત્યામાં ભૂમિકા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી મેળવ્યા છે અને આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
શું છે સમગ્ર મામલો
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં લૂંટ વિથ હત્યાનો બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ વૃદ્ધ દંપતી ઘરમાં એકલા રહેતા હતા અને તેમના બાળકો બહાર રહે છે. આરોપીએ ઘટનાને અંજામ આપતા પહેલા દંપતીના ઘરની લાઈટ બંધ કરી નાખી હતી. ગરમીથી કંટાળીને સુખજીત કૌર ઘરની બહાર નિકળતા હતા ત્યારે ઓરોપીએ અંધારાનો લાભ લઈને 70 વર્ષીય મહિલાના પર ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટી લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટાના બાદ સુખજીત કૌરના પતિ હરદિવ સિંહ કૌરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


