રાજકોટ-ગોંડલમાં ખૂની ખેલ: એક જ રાતમાં બે હત્યા
થોરાળામાં જૂની અદાવતનો લોહિયાળ અંજામઃ પાનના ગલ્લા પાસે 20 વર્ષના યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દીધો; ગોંડલમાં દુકાનમાં ઘૂસી 61 વર્ષના વેપારીની ઘાતકી હત્યા, બાઈક પણ ગાયબ થતાં લૂંટની આશંકા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને જિલ્લામાં જાણે ગુનાખોરીએ ફરી માથું ઊંચક્યું હોય તેમ એક જ રાતમાં હત્યાના બે બનાવોએ ભારે ચકચાર મચાવી છે. રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં જૂની અદાવતના કારણે પાનના ગલ્લા પાસે થયેલી માથાકૂટમાં 20 વર્ષના યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો, તો બીજી તરફ ગોંડલની નાની બજારમાં પોતાની દુકાનમાં એકલા બેઠેલા 61 વર્ષના વેપારીની અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાખી હતી. શહેરમાં યુવકની હત્યામાં અગાઉના ઝઘડાની અદાવત કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જ્યારે ગોંડલમાં વેપારીની હત્યા પાછળ લૂંટનો ઇરાદો હતો કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. બે હત્યાની ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થયું છે અને ગોંડલમાં આરોપીઓને ઝડપી પાડવા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે.
રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં ગોકુલપરા શેરી નંબર-4માં આવેલા સિદ્ધાર્થ પાનના ગલ્લા પાસે ગુરુવારે રાત્રે આશરે 10:45 વાગ્યે લોહિયાળ ખેલ ખેલાયો હતો. 20 વર્ષીય જયેશ ચાવડા પોતાના મિત્રો સાથે પાનની કેબિન પાસે ફાકી લેવા ઊભો હતો ત્યારે અગાઉના ઝઘડાની અદાવત રાખીને આવેલા બે શખ્સોએ તેની સાથે બોલાચાલી શરૂ કરી હતી. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસક બની ગયો હતો અને અંતે છરીના ઘા મારી જયેશની હત્યા કરી નાખવામાં આવી હતી.
મૃતકના પિતા મુકેશભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાત્રે જયેશ પોતાના મિત્ર સાથે બહાર ગયો હતો. દરમિયાન કરણ સરવૈયાનો ફોન આવ્યો હતો કે જયેશને કોઈએ છરી મારી દીધી છે. આ સમાચાર મળતાં જ પિતા અને પરિવારના સભ્યો ગભરાઈને ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં જ ગંભીર રીતે ઘવાયેલા જયેશને 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.
સિવિલ હોસ્પિટલમાં જયેશના મિત્રો પાસેથી મળેલી વિગતો મુજબ, આશરે ત્રણ મહિના પહેલાં થયેલા ઝઘડાનો ખાર રાખીને ધવલ વિજયભાઈ મકવાણા અને જયવીન નટુભાઈ ગોહેલ ત્યાં આવ્યા હતા. બંનેએ જયેશ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બંને શખ્સોએ જયેશને ઢીંકાપાટુનો માર માર્યો હતો અને આ દરમિયાન ધવલ મકવાણાએ પોતાના નેફામાંથી છરી કાઢી જયેશની છાતીના ઉપરના ભાગે તેમજ ગળાની નીચેના ભાગે ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં જયેશ ઢળી પડતાં બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
ગંભીર ઇજાઓના કારણે જયેશનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે થોરાળા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આરોપી ધવલ ઉર્ફે ટકો મકવાણા અને જયવીન ગોહેલ સામે હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ હત્યાના બનાવમાં એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે મુખ્ય આરોપી ધવલ ઉર્ફે ટકો વિજય મકવાણા રાજકોટના કુખ્યાત શામજી મકા મકવાણાનો ભત્રીજો હોવાનું જાણવા મળ્યું છે. થોરાળા વિસ્તારમાં શામજી મકા ગેંગના નામે અગાઉથી જ આતંકની ચર્ચા રહી છે. આ ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. બીજી તરફ, મૃતક જયેશ ચાવડા સામે પણ અગાઉ મારામારીના બે ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આમ, જૂની અદાવત, ગેંગ સાથેનો સંબંધ અને બંને પક્ષોની ગુનાહિત પૃષ્ઠભૂમિ સહિતના પાસાં તપાસના કેન્દ્રમાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ હત્યાની બીજી સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરની નાની બજાર વિસ્તારમાં આવેલી ચુનારા શેરીમાં ‘મહાવીર ટ્રેડર્સ’ નામે તેલ અને બેસનનો હોલસેલ વેપાર કરતા 61 વર્ષીય ભરતસિંહ ડાભીની તેમની જ દુકાનમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી.
પ્રાથમિક વિગતો મુજબ, રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે ભરતસિંહભાઈ દુકાનમાં એકલા હતા. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. મોઢા અને પેટના ભાગે ગંભીર ઘા ઝીંકવામાં આવતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સામાન્ય રીતે રાત્રે 10 વાગ્યે દુકાન બંધ થઈ જતી હોવા છતાં 11:30 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેતાં આસપાસના વેપારીઓ અને પડોશીઓને શંકા ગઈ હતી. તપાસ કરતાં દુકાનમાં ભરતસિંહભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા.
આ ઘટનામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે વેપારીનું સ્પ્લેન્ડર બાઈક પણ ઘટનાસ્થળેથી ગાયબ હોવાનું સામે આવ્યું છે. દુકાનમાં એકલા રહેલા વેપારીની હત્યા અને ત્યારબાદ બાઈક ગાયબ થવાની ઘટનાને પગલે લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી હત્યા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વેપારીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી.
રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું કે વેપારીની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું જણાય છે. લૂંટના ઇરાદે હત્યા થઈ છે કે કેમ તે હાલ ચોક્કસ કહી શકાય તેમ નથી. પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ છે. સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ વાહનો નજરે પડ્યાં છે. આરોપીઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સ સહિતની તપાસ કરવામાં આવી રહી છે અને જિલ્લામાં નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે.
એક તરફ રાજકોટ શહેરમાં જૂની અદાવતના કારણે યુવાનની હત્યા અને બીજી તરફ ગોંડલમાં વેપારીની રહસ્યમય સંજોગોમાં હત્યા થતાં શહેર-જિલ્લામાં ચકચાર મચી છે. એક જ રાતમાં બનેલી બે લોહિયાળ ઘટનાઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ માટે બંને હત્યાના આરોપીઓને ઝડપી પાડવા અને હત્યા પાછળનાં ચોક્કસ કારણો બહાર લાવવાનો પડકાર ઊભો થયો છે.


