- અમદાવાદ શહેર અને જિલ્લામાં 5 દિવસ રેડ એલર્ટ
- શાળામાં પ્રવેશ પ્રક્રિયા સવારે 7થી 10માં કરવા આદેશ
- આચાર્ય, વહીવટી કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે નિર્ણય
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીને લઈને હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ સુધી રાજ્યના અનેક શહેરોમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો હવે, હીટવેવની અસર ધીરે ધીરે જાહેર કાર્યક્રમો પર પણ જોવા મળી રહી છે. અમદાવાદ શહેર DEO દ્વારા શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય લઈને તમામ તાલીમ કાર્યક્રમો રદ્દ કરવાની જાહેરાત કરી છે.
અમદાવાદ શહેરમાં હીટવેવની અસરને લઈને લઈને અમદાવાદ શહેર DEO દ્વારા તમામ તાલીમ કાર્યક્રમો રદ્દ કરાયા હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદ શહેર DEO દ્વારા હીટવેવને પગલે લોકો ઘરમાં જ રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે સાથે, શાળાઓમાં યોજાતા ફાયર સેફ્ટીના કાર્યક્રમો પણ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુમાં જાણવા મળી રહ્યું છે કે, શાળાઓમાં વર્ગ ઘટાડા ક્રમિક સુનવણીઓ પાંચ દિવસ સુધી બંધ કરવામાં આવી છે. તો, શાળાઓને સૂચના આપવામાં આવી છે કે આગામી 23 તારીખે બોર્ડની પરીક્ષાઓની માર્કશીટનું વિતરણની કામગીરી સવારે જ કરવામાં આવે. વધુમાં અમદાવાદ DEOએ આદેશ કર્યો છે કે શાળાઓમાં બાળકોના એડમિશનની કામગીરી પણ સવારના 7થી 10 વાગ્યા દરમિયાન ન કરવામાં આવે. વધુમાં DEO કચેરીમાં મુલાકાતીઓએ શકય હોય તો આવવાનું ટાળવા સુચના આપવામાં આવી છે. શક્ય હોય તો ઈમેલના માધ્યમથી કે હેલ્પલાઈનના માધ્યમનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.


