- પગારમાં લાઇટ બિલ ભરવું કે પછી ઘર ચલાવવું કે બાળકોને ભણાવવા – સ્થાનિકોની વેદના
- જ્યાં સુધી સ્માર્ટ મીટરને હટાવીને જૂના મીટરો લગાવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત્ રહેશે
- સ્માર્ટ મીટરને દૂર કરવાની માગને લઇને 15થી વધુ સોસાયટીઓના રહીશોએ વિરોધ નોંધાવ્યો
રાજ્યભરમાં હાલ સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટરને લઇને અનેક શહેરોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. હવે આ વિરોધનો વંટોળ શહેરના નવા નરોડામાં પણ પ્રવેશ્યો છે. નવા નરોડાની વિવિધ સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવાતા લોકોમાં ભારે રોષ વાપ્યો છે. શહેરના નવા નરોડામાં સ્માર્ટ મીટરને લઇને હીટવેવના રેડ એલર્ટ વચ્ચે સ્થાનિકોએ ફરીથી વિરોધ નોંધાવ્યો હતો.સ્માર્ટ મીટરને દૂર કરવાની માગને લઇને 15થી વધુ સોસાયટીઓના રહીશોએ મોટી સંખ્યામાં નરોડા GEB ખાતે વિરોધ નોંધાવ્યો હતો. બે દિવસ અગાઉ પણ સ્થાનિકોએ થાળીઓ વગાડીને સ્માર્ટ મીટર અંગે GEB કચેરીમાં આવેદન આપ્યું હતું. જેનો જવાબ ન મળતાં સ્થાનિકો મોટી સંખ્યામાં ભેગા થઇને વિરોધ નોંધાવ્યો હતો. વિવિધ સોસાયટીના સભ્યોએ કહ્યું હતું કે, 20 હજારના પગારમાં ઘર ચલાવું, બાળકોને ભણાવવા કે સ્માર્ટ મીટરનું બિલ ભરવું. આ વચ્ચે એક સોસાયટીના ચેરમેને જણાવ્યું હતું કે, બે મહિનાનું બિલ માત્ર 10 દિવસમાં જ આવી રહ્યું છે.
નરોડાની શ્રીરામ વાટિકા, વૃંદાવન રેસિડેન્સી, ગણેશ રેસિડેન્સી, શ્રી રામ વંદન, હેવન સ્કાય સોસાયટી, પ્રથમ પ્રાયોરિટી સહિતની જુદી જુદી 15 જેટલી સોસાયટીઓના સભ્યોએ સ્માર્ટ મીટરને પગલે વિરોધ કરાઇ રહ્યો છે. બે દિવસ અગાઉ નરોડાની કેટલીક સોસાયટીના મહિલાઓ અને પુરુષો એકત્ર થઇને GEB કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં નવા સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર પરત લગાવા માટેની રજૂઆત કરાઇ હતી. જોકે 24 કલાક બાદ કોઈ નિરાકરણ ન આવતાં ગુરુવારે ફરી એકવાર વિવિધ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ભેગા થઇને ભરતડકામાં GEB ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. એક રહીશે જણાવ્યું હતું કે, મારો પગાર રૂ. 20 હજાર છે. આ પગારમાં ઘર ચલાવવું, બાળકોના અભ્યાસ કરાવું કે સ્માર્ટ મીટરનું બિલ ભરું. સ્માર્ટ મીટર પહેલાં મહિને બેથી ત્રણ હજારનું લાઈટ બિલ આવતું હતું. નવા મીટરમાં રોજના રૂ. 400નું બિલ આવી રહ્યુ છે. અમારી એક જ માગ છેકે, સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટર પાછા લગાવો જ્યાં સુધી જૂના મીટર પાછા નહીં લગાવવામાં આવે ત્યાં સુધી વિરોધ યથાવત્ રાખવાની ચિમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે.


