- ટ્રેલરમાં સિમેન્ટ ભરીને મોડાસા લઈ જવાતો હતો, તે સમયે કેબિનમાં આગ ભભૂકી
- સિદ્ધપુર પાલિકાના ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો : બંને ટ્રક સવાર સલામત
- ફાયર વિભાગને થતાં ફાયર ફાઈટર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો
સિદ્ધપુર હાઈવે ઉપર ખળી ચાર રસ્તા નજીક આવેલ હિન્દુસ્તાન પેટ્રોલપંપ આગળ જ એક ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી હાઈવે ઉપર તથા પેટ્રોલપંપના સ્ટાફમાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે ટ્રકમાં સવાર ડ્રાઈવર, ક્લીનર સમયસૂચકતા વાપરી ટ્રકમાંથી નીચે ઉતરી જતાં બંન્નેનો જીવ બચી જવા પામ્યો હતો. તો બીજી તરફ સિદ્ધપુર પાલિકાના ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેતાં આગ ટ્રકમાં વધુ પ્રસરતા અને પેટ્રોલપંપને અસર કરતાં બચી ગઈ હતી.
પાલનપુર તરફથી એક ટ્રેલર નં. જીજે-08-એયુ-0742માં સિમેન્ટ ભરીને ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર મોડાસા લઈ જવા માટે નીકળ્યા હતા. મોડી રાતે સિદ્ધપુર હાઈવે ઉપર સરસ્વતી નદીના પુલને ક્રોસ કર્યા બાદ કોઈ કારણસર ટ્રેલરના કેબીનમાં જ આગ લાગતાં ડ્રાઈવરે નજીકમાં ટ્રક સાઈડ કરીને ડ્રાઈવર તથા ક્લીનર ટ્રકમાંથી નીચે ઉતરી ગયા હતા. જેથી તેઓને ઈજાઓ થતાં બચી ગઈ હતી. જોતજોતામાં ટ્રકના કેબીનમાં આગ વધુ પ્રસરી હતી અને બાજુમાં જ પેટ્રોલપંપ હોવાથી આગને કારણે મોટી હોનારતની સંભાવનાને જોતાં પેટ્રોલપંપના સ્ટાફમાં અફરાતફરી મચી હતી. આગની ઘટનાની જાણ સિદ્ધપુર પાલિકાના ફાયર વિભાગને થતાં ફાયર ફાઈટર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ ના થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.


