- ઇકો કારમાં સવાર 6 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત
- તમામ ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પીટલ ખસેડાયા
- અક્સ્માતના પગલે હાઇવે પર સર્જાયો ટ્રાફિક જામ
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી રોડ એક્સિડન્ટની ઘટનાઓમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે જેને લઈને પરિવહન સુરક્ષા અને ટ્રાફિક સેફટીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આજે કચ્છમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે અને અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, કચ્છમાં એક ઇકો કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયાંના સમાચાર મળી રહ્યા છે. કચ્છના લાકડીયા ગામ પાસે અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા જ્યારે આ અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ચક્કાજામ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. તો, ઘટનાને પગલે તુરંત સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત 2 લોકોને તાત્કાલિક નજીકની સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


