ગુજરાતી સાહિત્ય પરિષદના ગ્રંથાલય મંત્રી તરીકે હેમાંગ રાવલનો બિનહરીફ વિજય
સતત ચાર ટર્મથી મધ્યસ્થ સમિતિ અને કારોબારીમાં સક્રિય યોગદાન આપ્યા બાદ હવે ગ્રંથાલયને સમૃદ્ધ બનાવવાની નવી જવાબદારી
અગ્ર ગુજરાત, રાજકોટ
પ્રતિષ્ઠિત સંસ્થા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની વર્ષ ૨૦૨૭-૨૦૨૯ની ચૂંટણીમાં ગ્રંથાલય મંત્રી તરીકે હેમાંગ મહીપતરામ રાવલનો બિનહરીફ વિજય થયો છે. વર્ષ ૨૦૧૮થી સતત ચાર ટર્મ સુધી પરિષદની મધ્યસ્થ સમિતિ અને કારોબારીમાં સક્રિય રહીને સંસ્થાકીય કામગીરીમાં મહત્વનું યોગદાન આપ્યા બાદ, હવે તેમને ગ્રંથાલય મંત્રી જેવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
હેમાંગ રાવલ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી સક્રિય છે. તેમણે કમ્પ્યુટર, આઈ.ટી. (IT), સોશિયલ મીડિયા અને મોટિવેશનલ વિષયો પર અનેક ઉપયોગી પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત, તેમની બેસ્ટ સેલર નવલકથા ‘હરિતા’ વાચકોમાં અત્યંત લોકપ્રિય બની છે, જે તેમની સર્જનાત્મક લેખનશક્તિનો પરિચય આપે છે. સાહિત્ય ઉપરાંત તેઓ સામાજિક, શૈક્ષણિક અને જાહેર જીવનમાં પણ વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના વાઇસ ચેરમેન, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના ચેરમેન, કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી અને કમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશનના ડિરેક્ટર તરીકે જોડાયેલા છે.
નવી જવાબદારી સંભાળવા અંગે પ્રતિક્રિયા આપતા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, “આગામી દિવસોમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે યુવા પેઢીમાં વધુ રૂચિ અને અભિરુચિ કેળવાય તે માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવું એ મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ગુજરાતી સાહિત્ય પરિષદના ગ્રંથાલયને વધુ સમૃદ્ધ, સક્રિય અને જ્ઞાનપ્રાપ્તિના જીવંત કેન્દ્ર તરીકે વિકસાવવા તેમજ નવી પેઢીને વાંચન અને સાહિત્યસર્જન તરફ પ્રેરિત કરવા માટે સૌના સહયોગથી કાર્ય કરવામાં આવશે.” અંતમાં, તેમણે આ બિનહરીફ વિજય બદલ ગુજરાતી સાહિત્ય પરિષદના તમામ મતદારો, વરિષ્ઠ સાહિત્યકારો, સર્જકો, સાહિત્યપ્રેમીઓ, વડીલો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


