- GCASમાં કોલેજ પસંદગી બાદ યુનિ.માં પ્રેફરન્સ આપવી પડશે
- 15મી જૂનના રોજ ફાઇનલ એડમિશનની ફાળવણી કરવામાં આવશે
- વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસ પ્રેફ્રન્સના આધારે12મીએ કોલેજની ફાળવણી કરાશે
ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS)માં રજિસ્ટ્રેશન અને કોલેજ પસંદી આપ્યાં બાદ હવે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પણ પ્રેફરન્સ આપવી પડશે. ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પ્રવેશ ઇચ્છતાં વિદ્યાર્થીઓ પાસેથી નવેસરથી ચોઇસ પ્રેફ્રન્સ લેવાની જાહેરાત કરાઈ છે. યુનિવર્સિટીની કોલેજોમાં પ્રવેશ ઇચ્છતાં વિદ્યાર્થીઓને આગામી તા.7મીથી 10મીએ સાંજે 5 વાગ્યા સુધી ચોઇસ પ્રેફ્રન્સ આપવા તાકીદ કરાઈ છે. વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસ પ્રેફ્રન્સના આધારે આગામી 12મીએ સાંજે 6 વાગે કોલેજની ફાળવણી કરાશે. આગામી 15મી જૂન પહેલા રાઉન્ડમાં પ્રવેશની ફાળવણી કરી દેવાશે.
રાજ્યમાં પહેલી વખત તમામ સરકારી યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં પ્રવેશ માટે કોમન રજિસ્ટ્રેશન કરાયું છે. આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની સાથેસાથે વિદ્યાર્થીઓ પાસેથી ચોઇસ પણ મેળવી લેવામાં આવી હતી. જેથી હાલમાં જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેની સાથેસાથે કઈ કોલેજમાં પ્રવેશ લેવા ઇચ્છે છે તેની પસંદગી પણ આપી દેવામાં આવી છે. મહત્ત્વનું એ છે કે, જે પોર્ટલમાં વિદ્યાર્થીઓએ પસંદગી આપી છે તેમાં કેટલાક વિદ્યાર્થીઓએ કોલજ પસંદગીમાં જુદી જુદી યુનિવર્સિટીઓ પસંદ કરી છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે જે કોલેજ મળતી હોય તે ફાળવી દેવામાં આવશે. આમ, થાય તો કેટલાક વિદ્યાર્થીઓને ભારે અન્યાય થાય તેમ છે. જેથી હવે દરેક યુનિવર્સિટીઓને પોતાની રીતે નવેસરથી ચોઇસ મેળવવાની રહેશે.


