ગોંડલથી ગણેશને મોડી રાત્રે જૂનાગઢ એલસીબી કચેરીએ લાવીને શરૂ કરી પૂછપરછ, હજુ અન્ય શખ્સોને પકડવા તપાસ
જૂનાગઢના દલિત યુવાનનું કારમાં અપહરણ કરી ગોંડલ લઇ જઇ નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી વીડિયો ઉતારવાના બનાવનાં મુખ્ય આરોપી ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશની ગઇકાલે મોડી રાત્રે જૂનાગઢ એલસીબીએ ધરપકડ કરી એલસીર્બ કચેરી ખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. અગાઉ આ મામલે ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા હતા પરંતુ ગણેશ જાડેજા ન પકડાય તો તા.૬થી આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી એવામાં પોલીસે તેને ઝબ્બે કરી લીધો છે.
જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢના દાતાર રોડ પર રહેતા સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકીએ વાહન વ્યવસ્થિત ચલાવવા કહ્યું હતું, જેના મનદુઃખના કારણે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરિતોએ સેંજય ઉર્ફે ચંદુને કારમાં અપહરણ કરી ગોંડલ પંથકમાં અવાવરૂ સ્થળે લઈ જઈ મારમાયી હતો.અને હથિયાર બતાવી ધમકી આપી હતી.
આ મામલે ગણેશ જાડેજા અને અન્ય દસ શખ્સો સામે અપહરણ, હત્યાના પ્રયાસ સહિતની કલમ મુજબ ગુનો દાખલ થયો હતો.આ મામલે પોલીસે અગાઉ ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે આજે મુખ્ય આરોપી ગણેશ જાડેજાને ગોંડલથી હસ્તગત કરી જૂનાગઢ લાવી પૂછપરછ શરૂ કરી છે. આ અંગે એલસીબી પી.આઈ જે.જે.પટેલે જણાવ્યું હતું કે ગણેશ જાડેજાને હસ્તગત કરી જૂનાગઢ લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.


